Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

એસઓજી વિરૂદ્ધ પુરાવા મળતા કાર્યવાહી, એલસીબી વિરૂદ્ધ જેની સામે પુરાવા મળ્યા તેની સામે કાર્યવાહીઃ હાઈકોર્ટમાં કે.ટી. કામરીયાની સાફ-સાફ વાત

રાજકોટથી અમદાવાદ જતુ અઢી કરોડનું સોનુ ગૂમ થવાનો તથા કસ્ટોડીયલ ડેથનો ચકચારી મામલો : એલસીબીના એક પોલીસમેન સામે કાર્યવાહી થયેલીઃ આજે હાઈકોર્ટમાં વિશેષ સુનાવણી પર આતુરતાભરી મીટ

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટની એક કુરીયર કંપની દ્વારા અઢી કરોડનું સોનુ અમદાવાદ જતુ હતુ ત્યારે આ સોનુ ગૂમ કરવાનો જેના પર આક્ષેપ હતો તેવા મૂળ લીંબડી પંથકના સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથ મામલામાં અનેક તપાસો કરવાનો બહોળો અનુભવ ધરાવતા સાણંદના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ હાઈકોર્ટના જસ્ટીસ સોનિયાબેન ગોકાણીના પ્રશ્નના જવાબમાં સ્પષ્ટપણે જણાવેલ કે, સુરૂભા ઝાલાના કસ્ટોડીયલ ડેથની તપાસ દરમિયાન ઝીણવટભર્યા પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા અને આ પુરાવાઓના આધારે જ એસઓજીના ૩ અધિકારીઓની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

ડીવાયએસપી કે.ટી. કામરીયાએ સમગ્ર ઘટનાનું બયાન કરતા જણાવેલ કે, સ્વ. સુરૂભા ઝાલા પર અઢી કરોડ સોનાની ચોરીનો આરોપ હતો. જે આધારે બોપોલ પોલીસે તેમની એલસીબીમાં પૂછપરછ હાથ ધરી હતી. તેઓની ધરપકડ ત્યાં સુધી કરવામાં આવી ન હતી. આ પ્રકરણમાં એલસીબીના એક પોલીસમેનની સંડોવણી હોવાનું ખુલતા કાર્યવાહી થઈ હતી ત્યાર બાદ એસઓજી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવેલ. આ દરમિયાન તેઓને પીડા આપવામાં આવી હતી. સમગ્ર તપાસ દરમિયાન એલસીબીના પીએસઆઈ શ્રી ગોહિલની સંડોવણી કોઈપણ રીતે બહાર આવી નથી કે તેઓની સામે કોઈપણ જાતના પુરાવાઓ મળ્યા નથી માટે તેમને તપાસ રેકર્ડમાં આરોપી દર્શાવ્યા નથી.

અત્રે યાદ રહે કે સ્વ. સુરૂભાના ભાઈ મહાવીરસિંહ દ્વારા હાઈકોર્ટમાં પોલીસ આ તપાસ યોગ્ય રીતે ન કરતી હોવાનો આક્ષેપ કરી આ મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવા માંગણી કરતી જે રીટ અરજી કરી હતી તે સંદર્ભે હાઈકોર્ટના હુકમથી ડીવાયએસપી કે.ટી. કામરીયા તપાસના તમામ દસ્તાવેજો સાથે હાજર થયા હતા. હાઈકોર્ટે આજે વિશેષ સુનાવણી રાખી છે.

(3:36 pm IST)