Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મધ્યપ્રદેશની નવી સરકાર પાણી છોડવામાં આડોડાઈ કરે તો ગુજરાતમાં મુશ્કેલીના પૂર

૧૫ વર્ષ બાદ બન્ને રાજ્યોમાં અલગ અલગ પક્ષની સરકારઃ નર્મદાના પાણીના મુદ્દે રાજકીય રેલમછેલના એંધાણ : બાકી નાણાનો મુદ્દો પણ ઉછળશેઃ નર્મદા ડેમમાં ઝડપથી ઘટતી જળ સપાટીઃ આજની સપાટી ૧૨૪.૫૨ મીટર

રાજકોટ, તા. ૧૩ :. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સાથે જોડાયેલ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચાવાનું નિશ્ચિત છે. જો નવી સરકાર કરાર મુજબ પાણી છોડવામાં આડોડાઈ કરે તો ગુજરાતમાં આવતા દિવસોમાં પાણીની મુશ્કેલી થઈ શકે છે. છેલ્લા ૧૫ વર્ષથી મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હતી. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપની સરકાર છે એટલે નર્મદાના મુદ્દે બે રાજ્યો વચ્ચે જાહેર વિખવાદ થયેલ નહિ પરંતુ હવે રાજકીય સમીકરણો બદલાતા બન્ને રાજ્યો વચ્ચે નર્મદાના મુદ્દે રાજકીય રેલમછેલની શકયતા રાજકીય સમીક્ષકો નિહાળી રહ્યા છે. ગુજરાતના નર્મદા યોજનાના મધ્યપ્રદેશ પાસેથી બાકી લેવાના નાણા અંગે પણ કડક ઉઘરાણીની સંભાવના છે.

એન.સી.એ.માં નક્કી થયા મુજબ મધ્યપ્રદેશે ઈન્દીરાનગર અને અન્ય ડેમમાંથી દર અઠવાડિયે પાણી છોડવાનું હોય છે તે પાણી ગુજરાત તરફ આવતા નર્મદા ડેમમાં પાણીની આવક થાય છે. હાલ દર અઠવાડિયે સરેરાશ ૧૦ હજાર કયુસેક પાણી છોડવામાં આવે છે. મધ્યપ્રદેશ જળવિદ્યુતના હેતુથી પાણી છોડે તેનો ગુજરાતને ફાયદો છે.

હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અછત છે. ૫૧ તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર થયા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમોમાં જળસપાટી જરૂર કરતા ઘણી ઓછી છે. સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા મુખ્ય આધાર હોય તેવા વિસ્તારોની સંખ્યા મોટી છે. ગુજરાત સરકારે આવતા ચોમાસા સુધીનું પીવાના પાણીનું આયોજન કરેલ છે તે પાણીની આવકને ધ્યાને રાખીને કર્યુ છે. હાલ વપરાશ અને બાષ્પીભવનના કારણે નર્મદા ડેમની સપાટી ઝડપથી ઘટી રહી છે. હાલની (આજની) જળસપાટી ૧૨૪.૫૨ મીટર છે. જો મધ્યપ્રદેશ પાણી ઓછું છોડે અથવા અનિયમિત છોડે તો નર્મદા ડેમની સપાટી વધુ નીચી જાય અને તેની અસર ગુજરાતમાં પાણી વિતરણ પર પડી શકે છે. પાણીનો મુદ્દો ભવિષ્યમાં રાજકીય સ્વરૂપ પકડી શકે છે. લોકસભાની ચૂંટણી ગાજી રહી છે. જો મધ્યપ્રદેશની નવી સરકાર હાલની પદ્ધતિ જાળવી રાખે તો ગુજરાત માટે ચિંતાનું કોઈ કારણ નથી પણ પાણીના મુદ્દે બે રાજ્યો અને બે પક્ષોની સરકાર વચ્ચે રાજકારણ શરૂ થાય તો પ્રજાની માઠી થઈ જશે.

(3:20 pm IST)