Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ગુજરાતમાં FDIથી ૧૮ હજાર કરોડથી વધુનું રેકોર્ડ બ્રેક રોકાણ

અંત સુધીમાં ગુજરાતમાં FDIનો આંકડો ૫૦,૦૦૦ કરોડને પાર પહોંચી જાય તેવી શકયતા છે

અમદાવાદ, તા.૧૩:  દેશભરમાં મંદીની વાત વચ્ચે ગુજરાતમાં ચાલુ નાણાંકીય વર્ષના પહેલા કવાર્ટરમાં ૧૮,૩૨૫ કરોડ રૂપિયાનું ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) થયું છે. આ આંકડો ગુજરાતમાં ૨૦૧૮-૧૯ના સમગ્ર નાણાંકીય વર્ષ દરમિયાન નોંધાયેલા ૧૩,૪૫૭ કરોડના રોકાણ સામે ૩૬ ટકા જેટલું વધારે છે. ગુજરાતમાં રોકાણ માટે તૈયાર ૪૫૦ કંપનીઓમાંથી પહેલા કવાર્ટરમાં ૧૨૪ કંપનીઓને રોકાણ કર્યું હતું. રાજય સરકારના સૂત્રો મુજબ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં FDIના આંકડો ૫૦,૦૦૦ કરોડને પાર પહોંચી જાય તેવી શકયતા છે.

રાજય સરકારના અધિકારીએ કહ્યું કે પાછલા વર્ષના આંકડા સાથે સરખામણી કરવા પર આ વર્ષના પહેલા કવાર્ટરમાં FDIમાં મોટા ઉછાળો નોંધાયો છે. DIPP મુજબ, RBIના ઓટોમેટિક રૂટ હેઠળ રાજયમાં પહેલા કવાર્ટરમાં FDI મારફતે ૧૮,૩૨૫ કરોડનું રોકાણ થયું છે. જે પાછલા વર્ષે ૧૩,૪૫૭ કરોડ રૂપિયા હતું.

ખાણ અને ખનિજ વિભાગના મુખ્ય સેક્રેટરી મનોજ દાસે કહ્યું, સામાન્ય રીતે FDI લિસ્ટમાં કોઈ એક કે બે દેશની કંપનીઓ વધારે હોય છે. પરંતુ ગુજરાતમાં અલગ-અલગ દેશોમાંથી રોકાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં FDI દ્વારા ૨૮ દેશોની કંપનીઓને રોકાણ કર્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ બાદ ગુજરાતમાં FDIમાં વધારો થયો છે. દાસે વધુમાં ઉમેર્યું કે વધુ કેટલાક દેશોની કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઈચ્છુક હોઈ આ આંકડામાં વધારો થશે.

અધિકારી મુજબ, FDIમાં રાષ્ટ્રીય એવરેજ કરતા ગુજરાતના પહેલા કવાર્ટરમાં વધારે રોકાણ થયું છે. આ રોકાણ મેન્યુફેકચરિંગ, ફૂડ પ્રોસેસિંગ, IT, ફાઈનાન્સિયલ સેકયર સર્વિસ, રિસર્ચ, રિયલ એસ્ટેટ અને અન્ય સેકટર્સમાં થયું છે.

(11:53 am IST)