Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ખેડૂતો સામે અંતે ઝૂકી ગઇ સરકાર : વધાર્યા જંત્રીના ભાવ

નવી ફોર્મ્યુલાથી ખેડૂતોને મળશે ૪ ગણી રકમ : રાજ્યમાં અમદાવાદ - મુંબઇ બુલેટ ટ્રેન મેગા પ્રોજેકટ માટે જુદા-જુદા જિલ્લાઓમાં જમીન સંપાદન માટે ચૂકવવામાં આવતા ભાવને લઇને ખેડૂતો નારાજ હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા

અમદાવાદ તા. ૧૩ : જમીન સંપાદન માટે રાજયના અનેક જીલ્લાઓમાં ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરી રહેલી સરકાર અંતે ઝૂકી છે. ગુજરાત સરકારે નક્કી કર્યું કે વર્ષ ૨૦૧૧ને બેઝ વર્ષ ગણીને જંત્રીના ભાવ દર વર્ષે ૮%ના દરે વધશે. રાજયમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન મેગા પ્રોજેકટ માટે જુદા જુદા જિલ્લાઓમાં જમીન સંપાદન માટે ચૂકવવામાં આવતા ભાવને લઈને ખેડૂતો નારાજ હતા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

બુલેટ ટ્રેન ઉપરાંત ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોર, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન્સ વગેરે મેગા પ્રોજેકટ માટે સરકારને જમાન સંપાદનમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો પોતાની જમીનના વધારે રુપિયા માગી રહ્યા છે. જેના વિરોધ સામે સરકારે જંત્રીના ભાવ બજાર ભાવ સમાન કરવા માટે એકત્રિત વધારો કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત સરકાર ચારગણું વળતર પણ ચૂકવશે આ ઉપરાંત જે ખેતરો અર્બન ડેવલોપેમન્ટ ઓથોરિટી વિસ્તારમાં આવે છે તેમાં તેમની જમીનને શહેરી જમીન પટ્ટા તરીકે ગણવાની માગણી પણ સંતોષી લીધી છે.

રાજયના અમદાવાદ, સુરત અને વડોદરા સહિતાના અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં ખેડૂતો પોતાની જમીનની વર્તમાન ભાવના બે ગણા રુપિયા મળતા હતા જે હવે તેના ચાર ગણા મળશે. આ સમગ્ર મામલે માહિતી ધરાવતા ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, 'રાજય સરકારની કેબિનેટ દ્વારા વર્ષ ૨૦૧૧થી જમીનના જંત્રી ભાવમાં એવરેજ એન્યુઅલ વેલ્યુએશન આધારે વધારો દેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. જેના કારણે સમગ્ર રાજયના જમીનના જંત્રી ભાવમાં ૬૦% જેટલો વધારો થશે.'

જેથી આ નવા ફોર્મ્યુલા મુજબ જે તે પ્રોજેકટ માટે ખેડૂતની જમીન સંપાદન કરવા માટે જંત્રીના ભાવમાં ૬૦% જેટલી કિંમત ઉમેરીને તેના ૪ ગણા કરી જે રકમ આવશે તે રકમ ખેડૂતને ચૂકવવામાં આવશે. વળતરની રકમ વધવાથી અમને આશા છે કે વિકાસ પ્રોજેકટ માટે ખેડૂતો પોતાની જમીન આપશે. સરકારને આશા છે કે આ નવી ફોર્મ્યુલાથી ખેડૂતોનો વિરોધ શાંત થશે.(૨૧.૨૯)

(3:56 pm IST)