Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

લાખોના ઘેટા-બકરાં વેચવાના કૌભાંડમાં ચારની ધરપકડ થઇ

ઘેટા-બકરાં બારોબાર વેચી દેવાના કાંડનો પર્દાફાશ : રામોલ, ઓઢવ, નરોડા વિસ્તારમાંથી ઝડપાયેલા ૧૦૦૦ ઘેટા-બકરા બારોબાર વેચી દેવાના મામલામાં ઉંડી તપાસ

અમદાવાદ, તા.૧૨ : અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે તેમજ ક્રુરતાપૂર્વક પશુઓની હેરાફેરી મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી અને ઝડપેલા પશુઓને હાથીજણમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં મુકવામાં આવે છે. પરંતુ આશા ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિસ્તારોમાંથી લાવેલા ઘેટા-બકરાઓને રાણીપમાં આવેલી બકરામંડીમાં વેચવાનું મોટુ કૌભાંડ સામે આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. રૂ.૩૨ લાખથી વધુની કિંમતના આશરે ૧૦૦૦ જેટલા ઘેટા-બકરા વેચી દેવા મામલે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે આશા ફાઉન્ડેશનના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ,  થોડાક દિવસ પહેલાં ઓઢવ, રામોલ અને નરોડા વિસ્તારમાંથી પોલીસ અને જીવદયા સંસ્થા દ્વારા ૧૩૬૦ ઘેટાં-બકરાં પકડાયાં હતાં, જેને સાચવવા માટે પોલીસે આશા ફાઉન્ડેશનને આપ્યાં હતાં.

          શહેરનાં નરોડા, ઓઢવ અને રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ આશા ફાઉન્ડેશનના સંચાલક તેમજ રાણીપ બકરા મંડીના શહીદ અહેમદ, હનીફ થારુન, જાવેદ અબ્દુલ હનીફ, કરમણ છનાભાઇ ચુનારા વિરુદ્ધમાં ચીટિંગ, વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ કરી છે. અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા તા.૪ ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી ર૧૮ ઘેટાં-બકરાં ભરેલી ટ્રક પકડાઇ હતી. ત્યારબાદ તા.૬ ડિસેમ્બરના રોજ નરોડા પોલીસ સ્ટેશનની હદમાંથી ચાર ટ્રક પકડાઇ હતી, જેમાં ૯૬૦ ઘેટાં-બકરાં હતાં અને તા.૮ ડિસેમ્બરે ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં આ જ સંસ્થાએ ૧૮ર ઘેટાં-બકરાં પકડ્યાં હતાં. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના મેમ્બરોએ પોલીસની મદદ લઇ કુલ ૧૩૬૦ ઘેટાં-બકરાં પકડી પાડ્યાં હતાં. પોલીસે આ મામલે ઘેટા-બકરાંને લઇ જનાર લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો અને તમામ ઘેટાં-બકરાંને હાથીજણ વિસ્તારમાં આવેલ આશા ફાઉન્ડેશન નામની સંસ્થામાં સાચવવા માટે મોકલી આપ્યાં હતાં. ઘેટાં-બકરાંના માલિકોએ તપાસ કરી તો ત્યાં આશા ફાઉન્ડેશનમાં મૂકવામાં આવેલાં ઘેટાં-બકરાં વેચી દીધાં હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે ઘેટાં-બકરાંના માલિકોએ પોલીસને જાણ કરતાં તેમણે તપાસ શરૂ કરી હતી. રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવેએ જણાવ્યું કે, ર૧૮ ઘેટાં-બકરાં આશા ફાઉન્ડેશનમાં મૂક્યાં હતાં, જેમાં અમે સ્થળ પર જઇને તપાસ કરી તો ૧પ ઘેટાં-બકરાં મળી આવ્યાં હતાં. બાકીનાં તમામ વેચી દીધાં હતાં ત્યારે ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજાએ જણાવ્યું છે કે, આશા ફાઉન્ડેશનમાં ૧૮ર ઘેટાં-બકરાં મૂક્યાં હતાં, જેમાંથી ૬૭ મળી આવ્યાં છે. બાકીનાં તમામને વેચી દીધાં છે.

            ૬૭ પૈકી કેટલાંક ઘેટાં-બકરાં રાણીપ બકરા મંડીથી મળી આવ્યાં છે. નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.કામરિયાએ જણાવ્યું કે, ૯૬૦ બકરાં આશા ફાઉન્ડેશનમાં મૂક્યાં હતાં, જેમાંથી અમને ૧૭૮ મળ્યાં છે, ૯૯ ઘેટાં-બકરાં રાણીપ બકરા મંડીથી મળ્યાં છે. આશા ફાઉન્ડેશન પાસેથી ઘેટાં-બકરાં ખરીદનાર શહીદ અહેમદ, હનીફ થારુન, જાવેદ અબ્દુલ હનીફ, કરમણ છનાભાઇ ચુનારા વિરુદ્ધમાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના મેમ્બર અશ્વિનભાઇ કાનકડ તેમજ રામોલ પીઆઇ અને ઓઢવ પીઆઇના જણાવ્યા અનુસાર જ્યારે ઘેટાં-બકરાંની તપાસ કરવા માટે તે ગયા ત્યારે સંચાલકોએ ઘેટાં-બકરાં ચરાવવા માટે મોકલ્યાં હોવાનું કહ્યું હતું. પોલીસે કુલ ૩૮ લાખની કિંમતનાં ૧૩૬૦ ઘેટાં-બકરાં પકડ્યાં હતાં, જેમાં હાલ તપાસ કરતાં કુલ સાત લાખનાં ૩ર૯ ઘેટાં-બકરાં મળી આવ્યાં છે, જ્યારે ૧૦૩૧ ઘેટાં-બકરાં વેચી દીધાં હતાં. આશા ફાઉન્ડેશનના સંચાલકોએ ૩ર લાખ રૂપિયાનાં ઘેટાં-બકરાં વેચી દીધાં હોવાની વાત સામે આવી હતી.

(9:46 pm IST)