Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પડતર માંગને લઈ મહેસૂલ કર્મીઓ હડતાળ પર ઉતર્યા

રાજયના ૧૦ હજારથી વધુ કર્મીઓ હડતાળ પર : મહેસૂલી કર્મચારીઓએ હાથમાં બેનર સાથે ગાંધીનગરમાં યોજેલ વિશાળ રેલી : મહિલા કર્મીઓ પણ રેલીમાં જોડાઇ

અમદાવાદ, તા.૧૨ : રાજ્યના ૩૩ જિલ્લાના ૧૦ હજાર મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર ૧૭ જેટલી પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ આપવા, ફિક્સ પગાર દૂર કરી પૂરો પગાર આપવા અને કારકૂનમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિત વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. જેને પગલે આજે મહેસૂલી કર્મચારીઓ દ્વારા રાજયના પાટનગર ગાંધીનગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાજ કર્મચારીઓએ સરકારને જગાડવા તેમની માંગણીઓના તાકીદે નિકાલ માટેના સૂત્રોચ્ચાર કરી ગાંધીનગર ગજવ્યું હતું. બાદમાં સરકારના સંબંધિત સત્તાવાળાને વિગતવાર આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. મહેસૂલ કર્મચારીઓ ૧૭ જેટલા પડતર પ્રશ્નો જેવા કે નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવા,

               સાતમું પગારપંચ, કોમ્પ્યુટર કામગીરીમાં રેગ્યુલર કર્મચારીઓને બેસાડવા સહિતની માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અનેક વખત રજૂઆત કરી છતાં સરકાર દ્વારા માત્ર બાંહેધરી અપાતી હોવાથી હડતાળ પર ઉતર્યા છે. બીજીબાજુ, હજારો મહેસૂલી કર્મચારીઓની હડતાળને પગલે આવકના દાખલા, -ધરા નોંધ, એન.., નવીશરત- જુનીશરતમાં જમીન તબદીલ કરવા ઉપરાંત વહિવટી કામગીરી પર અસર પડી હતી. સરકારે વૈકલ્પિક વ્યવસ્થાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમછતાં ખેડૂતો સહિતની પ્રજાને ભારે તકલીફ અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(8:47 pm IST)