Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગુજરાતી સાહિત્યનું સિમાચિન્હ : ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ'

જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ (ઉપનામ : ધૂમકેતુ) (૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ ૧૧ માર્ચ, ૧૯૬૫) ગુજરાતી નવલીકાકાર, નવલકથાકાર, ચિંતકવિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૪માં મેટ્રીક પાસ  કર્યું  હતું.  ત્યારબાદ ૧૯૨૦માં  અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી.  ગોંડલ  રાજ્યની  રેલવે ઓફિસમાં    અને    પછી ગોંડલની    હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી  અમદાવાદમાં સ્થાયી  થયા.  પ્રારંભમાં અંબાલાલ    સારાભાઈના બંગલાની  ખાનગી  શાળામાં શિક્ષક  તરીકે  અને  પછી  સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની  ખાનગી  શાળામાં શિક્ષક   તરીકે   કામ   કર્યું.

નાનપણમાં સાંભળેલી વાર્તાઓ,  બાલ્યાવસ્થાનો વાચનશોખ,  શ્રીમન્  નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની  પ્રકૃતિ  આદિ ધૂમકેતુના  સાહિત્યસર્જનના મહત્વના  પ્રેરક  બળો  રહ્યા. ૧૯૩પમાં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો.   ૧૯પ૩માં નર્મદ સુવર્ણચંદ્રક.

૧૯૪૪માં વડોદરામાં  મળેલા  ગુજરાતી સાહિત્ય  પરિષદના  ૧પમા અધિવેશનમાં       સાહિત્ય વિભાગના  પ્રમુખ.  ૧૯પ૭- પ૮માં  સાહિત્ય  અકાદમી, દિલ્હીના  ગુજરાતી  ભાષાના સલાહકાર  બોર્ડમાં  સભ્ય. એમણે  અનેક  ગદ્યસ્વરૂપો ખેડ્યા છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર  તરીકે જ પ્રતિષ્ઠિત છે. એમના આગમન પૂર્વે  ગુજરાતી  સાહિત્યમાં મલયાનિલ    આદિ   દ્વારા નવલિકા-લેખનની  આબોહવા સર્જાઈ  હતી,  પરંતુ  અનેક કલાત્મક  વાર્તાઓના  સર્જનને લીધે ધૂમકેતુ  ગુજરાતી નવલિકાના આદ્ય  પ્રણેતા ગણાયા.  એમની  નવલિકાઓ ભાવનાવાદી  છે,  તા વાસ્તવલક્ષી પણ  છે. ભાવનાવાદી  નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, કલ્પનારંગ્યા વાતાવરણમાં તેઓ કોઈ આદર્શ કે ભાવનાનું નિરૂપણ  અને  ઊર્મિનું  ઉત્કટ આલેખન કરે છે. વાસ્તવલક્ષી નવલિકાઓમાં  એમનો  ઝોક સમાજસુધારણા  પ્રત્યેનો  છે. ગાંધીભાવનાનો  પડઘો  પણ એમણે  ઝીલ્યો  છે. માનવસંવેદનાની  સૂક્ષ્મ  ક્ષણો, લાગણીઓ,  નારીની  વેદના, કરૂણા તથા  વત્સલતા, માનવઅંતરનાં  દ્રન્દ્ર  વિષાદ  કે આનંદના  નિરૂપણો  તેમાં  છે; તો પ્રાચીનકાળ, મધ્યકાળ અને ભવિષ્યકાળને  નિરૂપતી વર્તાઓ પણ અહીં છે.

ધૂમકેતુ  રંગદર્શી પ્રકૃતિના સર્જક છે, પરિણામે  લાગણી- નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી, વાતાવરણની  ચિત્રાત્મકતા અને  ક્યારેક  ચિંતન  તેમ  જ ધૂની-તરંગી  પાત્રો  એમની નવલિકાઓમાં  પ્રગટ  થાય છે.  એમની  વાર્તાકથનની નિજી  લાક્ષણિક  શૈલી  છે. લોકબોલીનો લહેજો, કાવ્યમય આલંકારિક  અને સચોટ  પ્રભાવ  નિરૂપતું  ગદ્ય તથા  સંવાદો  એમની નવલિકાઓને  ઓપ  આપે છે. કટાક્ષ તથા હાસ્યના પણ એમાં ઉપયોગ થયો છે.

પૂરું નામ : ગૌરીશંકર ગોવર્ધનદાસ જોશી, ઉપનામ : ધૂમકેતુ, જન્મ : ૧ર ડિસેમ્બર, ૧૮૯ર, વીરપુર-સૌરાષ્ટ્ર-ભારત, રાષ્ટ્રીયતા : ભારતીય, કાર્યક્ષેત્ર : ગુજરાતી નવલકથાકાર, ચિંતક-વિવેચક,, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર, લેખક, પુરસ્કાર  :  ૧૯પ૩  નર્મદ  સુવર્ણચંદ્રક,  ૧૯૩પ-,રણજીતરામ સુવર્ણચંદ્રક, મૃત્યુ : ૧૧ માર્ચ, ૧૯૬પ

(11:26 am IST)