Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં દેશી બનાવટના દારૂનું વેચાણ કરતા શખ્સને પોલીસે 16 હજારના જથ્થા સાથે ઝડપી પાડયો

વડોદરા: દેશી બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો આજવા રોડ ઉમિયાદિપ સોસાયટી સામે, બાવળની ઝાડીમાં ખાતે વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ રૂ. ૧૬૦૦૦ ના ૧૬૦ પાઉચ ભરેલા બે બાચકા પોલીસે ગઈ રાત્રે કબજે કરીને બે આરોપીની ધરપકડ કરી દારૂનો જથ્થો મંગાવનારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવેલી વિગત એવી છે કે, નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસને બાતમી મળી હતી કે રાજેન્દ્ર લોખંડ  કનોજીયા (રહે. અંબિકાધામ ડુપ્લેક્સ, ગણપતિ મંદિર સામે, ગાજરાવાડી) પોતાના ફાયદા માટે દેશી બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને પોતાના માણસ શ્યામ મુકેશ વસાવા રહે હનુમાન ટેકરી) દ્વારા ઉમિયાદિપ સોસાયટી સામેના બીએસએનએલ ટાવરની બાજુમાં બાવળની ઝાડીમાં વેચાણના ઇરાદે સંતાડી દેવાયો હોવાની જાણ થઈ હતી. જેથી તાબડતોબ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આટા ફેરા કરતા યુવકને ઝડપીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શ્યામ મુકેશ વસાવા (રહે. હનુમાન ટેકરી, ગાજરાવાડી) હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં તેણે બાવળની ઝાડીમાં દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની જાણ કરી હતી.  જેથી પોલીસે ઘટના સ્થળેથી પ્લાસ્ટિકના બે બાચકા બહાર કાઢીને તપાસ કરી હતી.   જેમાંથી રૂપિયા ૧૬૦૦૦ ની કિંમત ના ૧૬૦ પાઉચ મળી આવ્યા હતા. વધુ પૂછપરછ કરતા શ્યામ વસાવાએ દારૂનો આ જથ્થો રાજેન્દ્ર કનોજીયાએ ચકલી દિનેશ રાજપુત પાસેથી લઈ વેચાણ માટે આપ્યાની કબુલાત કરી હતી. જેથી પોલીસે શ્યામ વસાવા અને રાજેન્દ્ર કનોજીયા બંનેની ધરપકડ કરી હતી.  જ્યારે માલ મોકલનાર  કમલેશ ઉર્ફે ચકલીને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો કબજે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:57 pm IST)