Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગાંધીનગરના ચ-0 નજીક ઘાસના પૂળા ભરેલી ટ્રકમાં આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચ-૦ સર્કલ પાસે ગઇકાલે મોડી રાત્રે બાવળાથી ધણીયોલ જઇ રહેલી ઘાસના પુળા ભરેલી ટ્રકમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી.આ અંગે ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા કાંફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે,અમદાવાદ ગ્રામ્યના બાવળા ખાતેથી ડાંગરના ઘાસની ૨૫૦ જેટલી ગાંસડીઓ ભરીને ટ્રકમાં ડ્રાઇવર અને ક્લિનર ધણીયોલ ગામે જવા નીકળ્યા હતા ગાંધીનગરથી ટ્રક પસાર થઇ રહી હતી તે સમયે ચ-૦  સર્કલ પાસે ટ્રકમાં સ્પાર્ક થવાથી આગ ભભુકી ઉઠી હતી અને તેના કારણે ડ્રાઇવર અને ક્લિનર નીચે ઉતરી ગયા હતા જોત જોતામાં ઘાસ ભરેલી આ ટ્રકમાં આગ વિકરાળ બની હતી. જેના કારણે માર્ગ ઉપર વાહનવ્યવહાર પણ થંભી ગયો હતો. બીજીબાજુ આ ઘટના અંગે ગાંધીનગર ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરકાંફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જો કે, આ આગને કારણે ટ્રક પણ બળીને ખાખ થઇ ગયો હતો સદનસીબે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થવા પામી ન હતી.

(4:57 pm IST)