Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાજપના ૧૬૬ માંથી ૪૪ ટકા ઉમેદવારો ૪ જ્ઞાતીના

કડવા-લેવા-કોળી-ઠાકોર સમાજને ૭૧ ટિકીટોની ફાળવણી

ગાંધીનગર, તા. ૧ર : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે આવતા મહિને બે તબક્કામાં (૧ ડિસેમ્‍બર અને ૫ ડિસેમ્‍બર) ચૂંટણી યોજાવાની છે. અઢી દાયકા કરતાં વધુ સમયથી સત્તા પર રહેલી ભાજપ સતત છઠ્ઠી વખત વિધાનસભા ચૂંટણી જીતવા તમામ પ્રકારના રાજકીય દાવપેચ લગાવી રહી છે. ભાજપે અત્‍યાર સુધીમાં ૧૬૦ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં આજે વધુ ૬ બેઠકોના નામ જાહેર કર્યા છે. હજુ ૧૬ બેઠકો એવી છે જ્‍યાં સીટોને લઈને કોકડું ગૂંચવાયેલું છે. આ બેઠકો પર ભાજપે પાંચ મંત્રીઓ સહિત ૩૮ ધારાસભ્‍યોની ટિકિટ કાપી નાંખી છે.

ભાજપા કોઈપણ ભોગે ગુજરાતને જીતવા માટે રાજકીય ફોર્મ્‍યૂલાથી લઈને જાતીય સમીકરણોના આધારે ચાલી રહ્યો છે. આ અંતર્ગત પાર્ટીએ ટિકિટ વહેંચણીમાં પાટીદારો અને ઓબીસી નેતાઓને ખૂબ જ પ્રાધાન્‍ય આપ્‍યું છે. ભાજપે અત્‍યાર સુધીમાં કુલ ૧૬૦ ટિકિટોમાંથી પાટીદારોને ૪૦, ઓબીસીને ૪૯, અનુસૂચિત જનજાતિને ૨૪, અનુસૂચિત જાતિને ૧૩, બ્રાહ્મણોને ૧૩, જૈનોને ૩ અને ક્ષત્રિયોને ૧૭ ટિકિટ આપી છે.

૪૦ પાટીદાર ઉમેદવારોમાંથી ૨૩ ટિકિટ લેઉઆ પટેલ અને ૧૭ ટિકિટ કડવા પટેલ લોકોને આપવામાં આવી છે. પાર્ટીએ ૪૯ ઓબીસી ઉમેદવારોમાં સૌથી વધુ ૧૭ કોળી સમાજને અને ૧૪ ઠાકોર સમાજને ટિકિટ આપી છે. આ રીતે આ ચાર જ્ઞાતિઓને કુલ ૭૧ એટલે કે ૪૪ ટકા ટિકિટ આપવામાં આવી છે. મિશન ૨૦૨૨ અંતર્ગત ભાજપ આ જાતિઓ પર ફોકસ કરી રહ્યું છે.

ભાજપે તેના પ્‍લાન ફોર હેઠળ પાટીદારો ઉપરાંત ઓબીસી મતદારો પર પણ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે. રાજ્‍યની કુલ વસ્‍તીમાં ઓબીસીનો હિસ્‍સો લગભગ ૪૮ ટકા છે. તેમાંથી કોળી અને ઠાકોર અડધાની નજીક છે. જો ગુજરાતના પૂર્વ આદિવાસી પટ્ટાને છોડી દેવામાં આવે તો પાટીદારો સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં તેમની વસ્‍તી વધુ છે.લેઉવા પટેલોની વસ્‍તી કડવા પટેલો કરતા થોડી વધુ છે. લેઉવા પટેલોનું વર્ચસ્‍વ સૌરાષ્‍ટ્ર અને મધ્‍ય ગુજરાતમાં જ્‍યારે ઉત્તર ગુજરાતમાં કડવા પટેલ વસ્‍તીની દૃષ્ટિએ મજબૂત છે. સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ પ્રમાણમાં ઓછું મજબૂત છે. તેથી, આ જાતિઓની મદદથી, ભાજપ માત્ર ચૂંટણી પાર કરવાના પ્રયાસોમાં છે. સાથે ઓબીસી મત બેંક પર વધુ પ્રભુત્‍વ સ્‍થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

(4:09 pm IST)