Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

SGVP ગુરુકુલના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીની નિશ્રામાં ઋષિકેશ ગંગાને કિનારે યોજાઈ સત્સંગ સાધના શિબિર આ શિબિરમાં ૪૦ સંતો સહિત ૧૫૦૦ ભાવિકો શિબિરમાં જોડાયા.

અમદાવાદ તા. ૧૨ ભારતીય સનાતન ધર્મમાં હિમાલય મહાન પ્રેરણાસ્રોત દેવભૂમિ તરીકે પ્રખ્યાત છે. પ્રાચીન ગુરુકુલ શિક્ષાપ્રણાલીના પ્રવર્તક ગુરુદેવ શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને ગુરુકુલ દિવ્યપરંપરાના દિવ્યસંદેશાઓ આ હિમાલયના રુદ્રપ્રયાગમાં જ પ્રાપ્ત થયા હતા.

શાસ્ત્રીજી મહારાજે પોતાના જીવનના અંતિમ વર્ષમાં આ હિમાલયના દિવ્યધામ સમા ઋષિકેશમાં ગંગાને કિનારે સંતો અને હરિભકતો માટે સાધનામય સત્સંગ શિબિરનો પાયો નાંખેલ. આ દિવ્ય પરંપરાનું વહન કરતા દર બે વર્ષે SGVP દ્વારા પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં સાધના શિબિરનું આયોજન કરવામાં આવે છે.

તા.૨૯ ઓકટોબર થી ૪ નવેમ્બર ૨૦૨૨ દરમ્યાન એક સપ્તાહની સત્સંગ સાધના શિબિરના આયોજનમાં ૪૦ ઉપરાંત સંતો, પાર્ષદો, તેમજ સાંખ્યયોગી માતાઓ, યુવાન ભાઈ-બહેનો, ઋષિકુમારો સહિત ૧૫૦૦ જેટલા શિબિરાર્થીઓ જોડાયા હતા. દરરોજ વહેલી સવારે ગંગા સ્નાન-પૂજાપાઠ કરીને સહુ ભકતચિંતામણિ ગ્રંથ તથા નામજપ-અનુષ્ઠાનમાં જોડાતા. અલ્પાહાર બાદ નવ કલાકે વ્યાખ્યાનમાળામાં સંતો દ્વારા પ્રેરક પ્રવચનો થતા. તથા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ સત્સંગિજીવન કથા અંતર્ગત ભગવાન શ્રી સ્વામિનારાયણના સંત મુક્તાનંદ સ્વામી દ્વારા વડોદરામાં વિદ્વાનો સાથે થયેલ શાસ્ત્રાર્થના આધારે સનાતન ધર્મની સમજણ પૂરી પાડી હતી. તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં અવતારી છે અને સંપ્રદાય વૈદિક છે તે વાતનું સ્થાપન કર્યું તેની કથાનું શ્રવણ કરાવ્યું હતું.

પરમાર્થ નિકેતનના અધ્યક્ષ પૂજ્ય મુનિજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા અને ગુરુકુલ સંસ્થાના સંતોની રીતભાત જોઇને ખૂબજ પ્રસન્નતા વ્યક્ત કરી હતી તથા શિબિરાર્થીઓને પ્રેરણાત્મક વાતો પણ કરી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ચાપરાડા વિદ્યાધામના અધ્યક્ષ પૂજય સંતવર્ય મુકતાનંદબાપુએ વ્યાવહારિક જગતમાં સફળતા અપાવતા સાત સામર્થ્યની વાત કરી હતી. તથા પૂજ્ચ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ તથા ગુરુકુલના ઐતિહાસિક પ્રસંગોને યાદ કરીને નાના મોટા દરેકને જીવનમાં ભજન, ભક્તિ અને ધર્મ પાલન કરવા માટેની હેત ભરી વાતો કરી હતી.

બપોરપછીની સભાનો સમૂહ ગંગાસ્નાનથી પ્રારંભ થતો. સંતો દ્વારા ઠાકોરજીનો અભિષેક થતો. સહુ સંતો-ભક્તો ખૂબ ઉત્સાહથી ગંગાસ્નાન કરી ધન્યતા અનુભવતા. ત્યારબાદ યુવાન સંત શાસ્ત્રી મુનિવત્સલદાસજી સ્વામીએ હરિગીતા ગ્રંથના આધારે સુંદર કથા સંભળાવી હતી. ઉપરાંત અભ્યાસ કરનારા નાના સંતોએ વિવિધ સાંપ્રદાયિક ગ્રંથોનો પરિચય આપ્યો હતો.

એમાં પણ સાંજની ગંગાઆરતી ખૂબ દિવ્ય રહેતી. હજારો ભક્તોની ઉપસ્થિતિ, સંતોની હાજરી તથા મધુર કંઠે ગવાતા ધૂન-ભજનથી વાતાવરણમાં દિવ્યતા પ્રસરી જતી.

આ ઉપરાંત અવારવનાર મહાનુભાવો દ્વારા પ્રેરણાત્મક પ્રવચનો થતા જેમાં એસજીવીપી ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નિવૃત જજ શ્રી રતિભાઇ ઢોલરિયા સાહેબ, વિપુલભાઇ ગજેરા, ડાઇરેક્ટર શ્રી જયદેવ સોનાગરા, સુરતના ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઇ ધોળકિયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

આ સત્સંગ સાધના શિબિરનો દિવ્ય અનુભવ કરીને સૌ શિબિરાર્થીઓએ આવી શિબિરો દર વરસે યોજાતી રહે તેવી ભાવના વ્યકત કરી હતી.                                                                                                         

(3:04 pm IST)