Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ચૂંટણી પંચ દ્વારા મોબાઇલ એપ.થી મળેલી ફરિયાદનો ૧૦૦ મીનીટમાં નિકાલ : મતદારો-ઉમેદવારો માટે ‘ચેટબોટ'

ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા ૬૧૧ ફલાઇંગ સ્‍કવોડ કાર્યરત : પી.ભારતી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૧ : ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચુંટણી ર૦રર ના બન્ને તબકકાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિતિ શિડયુલ પ્રમાણે ચાલી રહી છ.ે બન્ને તબકકા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી આયોજનબધ્‍ધ રીતે ચાલી રહી છે મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી ચુંટણી પંચ પી.ભારતીએ ગઇ કાલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, આદર્શ આચારસંહિતાનું ચુસ્‍ત પાલન થઇ રહ્યું છે. અત્‍યાર સુધીમાં આચારસંહિતના ભંગની એક પણ ગંભીર ફરીયાદ આવી નથી. એટલું જ નહી સીવીઆઇજીઆઇએલ મોબાઇલ એપ જેવા સરળ અને હાથવગા માધ્‍યો હોવાથી સામાન્‍ય નાગરીકોમાં પણ આદર્શ આચાર સંહિતાના પાલન પ્રત્‍યે સારી સજાગતા જોવા મળી છે.

પત્રકાર પરિષદમાં ગુજરાત પોલીસના એ.ડી.જી.(કાયદો અને વયવસ્‍થા તથા સ્‍ટેટ પોલીસ નોડલ ઓફિસર શ્રી નરસિંહા કોમર, અધિક મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, અધિક મૂખ્‍ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેક, સંયુકત મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રી અશોક પટેલ તથા સંયુકત મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રી અજય ભટ્ટ અને માહિતી નિયામક શ્રી આર.કે.મહેતા ઉપસ્‍થિત રહ્યા હતા.

મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્‍યું હતું કે, તમામ જિલ્લાઓમાં ઇ.વી.એમ.અને વી.વીપેટના ફર્સ્‍ટ રેન્‍ડમાઇઝેશનની કામગીરી પુર્ણ કરવામાં આવી છે રાષ્‍ટ્રીય અને રાજકક્ષાએ માન્‍યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં આ કામગીરી પૂર્ણ કર્યા પછી ઇ.વી.એમ.અને વી.વી.પેટ મશીનો જે-તે મતવિસ્‍તારના ચૂંટણી અધિકારીઓને સોપવાની કામગીરી અત્‍યારે ચાલી રહી છ.ે તમામ મશીનોની યાદી પણ રાજકીય પક્ષોને આપવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચની તમામ સુચનાઓના ચુસ્‍ત પાલન સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી ચોકસાઇપૂર્વક ચાલી રહી છે. હરિફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી તેમના પ્રતિનિધીઓની હાજરીમાં ઇ. વી. એમ. અને વી. વી. પેટના સેકન્‍ડ રેન્‍ડમાઇઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મતદાર ફોટો ઓળખકાર્ડ

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્‍વયે ૧ર ઓગસ્‍ટથી ૯ ઓકટોબર દરમ્‍યાન ૧૬,પ૧,૯૦પ મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્‍યા છે. તમામ ઇપીઆઇસી પ્રિન્‍ટ થઇ ગયા છે. અને મતદારોને પોસ્‍ટ ઓફીસ મારફતે સ્‍પીડ પોસ્‍ટ દ્વારા વિનામૂલ્‍યે પહોંચતા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

વરિષ્‍ઠ મતદારો, દિવ્‍યાંગ મતદારો માટે વિશેષ વ્‍યવસ્‍થા

૮૦ વર્ષથી વધુ વયના વરિષ્‍ઠ નાગરીકો, દિવ્‍યાંગજનો અને કોવિડ-૧૯ પ્રભાવિત કે શંકાસ્‍પદ કક્ષામાં સમાવિષ્‍ઠ મતદારો પણ પોસ્‍ટલ બેલેટથી મતદાન કરી શકે એવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. શ્રીમતી પી. ભારતીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં વરિષ્‍ઠ નાગરિકો અને દિવ્‍યાંજનો મળીને ૧ર,ર૬,૯૧૧ મતદારો નોંધાયા છે. દરેક જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સંભાળી રહેલાં કર્મચારીઓ આવા મતદારોની રૂબરૂ મુલાકાત લઇ રહ્યા છે. અત્‍યાર સુધીમાં ૭,૭૭,૬૦૪ મતદારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જે મતદારો મતદાન મથક સુધી જઇ શકે તેમ નથી તેવા મતદારો ફોર્મ ૧ર-ડી ભરી રહ્યા છે. અત્‍યાર સુધીમાં આવા ૪,૯૩,૩૧૦ મતદારોને ફોર્મ-૧ર-ડી આપવામાં આવ્‍યું છે.

ખર્ચ દેખરેખ નિયંત્રણ

ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજયમાં હાલમાં ૬૧૧ ફલાઇંગ સ્‍કોડ અને ૮૦ર સ્‍ટેટીક સર્વેલન્‍સ ટીમો કાર્યરત છે. અત્‍યાર સુધીમાં રૂા. ૭.૧૮૮ લાખની કુલ જપ્તી કરવામાં આવી છે. જેમાં રૂા. ૬૬ લાખની રોકડ, રૂા. ૩૮પ લાખની કિંમતનો દારૂ, રૂા. ૯૪ લાખનું ડ્રગ્‍સ અને રૂા. ૧૮૭ લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્‍યું છે. જયારે રૂા. ૬.૪પ૬ લાખની કિંમતની અન્‍ય ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઇનીઝ રમકડાં, મોટરકાર, મોટર સાયકલ, મોબાઇલ ફોન વગેરેનો સમાવેશ થાય છે.

સી-વીઆઇજીઆઇએલ મોબાઇલ એપ્‍લિકેશન

શ્રીમતી પી.ભારતીએ કહયુ હતુ કે, સામાન્‍ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે સી-વીઆઇજીઆઇએલ મોબાઇલ એપ્‍લિકેશન લોન્‍ચ કરવામાં આવી છે અને તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્‍લા કક્ષાએ સ્‍પેશિયલ ટીમ અને નોડલ ઓફીસરની નિમણૂંક કરવામાં આવી છે.

સી-વીઆઇજીઆઇએલ મોબાઇલ એપ્‍લિકેશન પર મળેલી ફઁિરયાદોએ ૧૦૦ મીનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્‍યાર સુધીમાં સી-વીઆઇજીઆઇએલ મોબાઇલ એપ્‍લિકેશન દ્વારા ૫૮૩ ફરિયાદો મળી છે. તે પૈકી ૩૬૨ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો છે, જયારે ૨૨૧ ફરિયાદો સાચી જણાઇ ન હોવાથી તેને ડ્રોપ કરવામાં આવી છે.

અન્‍ય ફરિયાદોઃ

તેમણે જણાવ્‍યુ હતુ કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્‍સીસ રિડ્રેસલ સિસ્‍ટમ પોર્ટલ બનાવવામાં આવ્‍યુ છે. આ પોર્ટલ દ્વારા છેલ્‍લા સપ્તાહમાં ૧,૩૨૩ ફરિયાદો મળી છે. તે પૈકી ૧,૧૭૨ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો છે.

સામાન્‍ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો ફરિયાદો અને સુવિધા માટે મુખ્‍ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમના ફોન નંબર આપવામાં આવ્‍યા છે. આ માધ્‍યમ મારફતે અત્‍યાર સુધીમાં ૪૪ ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનોે નિકાલ કરવામાં આવ્‍યો છે.

આ કચેરીમાં મીડીયા સેલ ઊભો કરીને ટેલિવિઝન અને સોશિયલ મિડીયા પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રચાર માધ્‍યમો પરથી ૨૮ ફરિયાદી મળી છે. જે પૈકી ૧૭ ફરિયાદનો નિકાલ થયો છે.

આ કચેરીની ફરિયાદ શાખાને ટપાલ કે ઇ-મેઇલ દ્વારા અત્‍યારસુધીમાં ૧૫૪ ફરિયાદો મળી છે. તે પૈકી ૬૬ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો છે. વિવિધ પ્રકારની કુલ ૪,૩૪૯ ફરિયાદો મળી છે. જેમાં ઇપીઆઇસીની ૩,૬૫૪ ફરિયાદો તથા મતદારયાદી અને આચારસંહિતા ભંગની ૫ ફરિયાદો મળી છે. જેમાંથી ૪,૧૦૧ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્‍યો છે.

એમ.સી.એમ.સી-મિડિયા સર્ટીફિકેશન એન્‍ડ મોનીટરીંગ કમિટિ

ઇલેકટ્રોનિક મીડીયા, રેડિયો અને સોશીયલ મિડીયા પર પ્રચાર-પ્રસાર કરતા પહેલા રાજકીય પક્ષોને રાજય અને જિલ્લા કક્ષાની એમ.સી.એમ.સી કમિટિ(મિડીયા સર્ટીફીકેશન એન્‍ડ મોનીટરીંગ કમિટિ)ની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. મોટાભાગે રાજયકૅક્ષાની કમિટિ સમક્ષ જાહેરાતો પૂર્વ-પ્રમાણિત થવા માટે રજૂ થતી હોય છે.

અત્‍યારસુધીમાં રાજયકક્ષાની એમ.સી.એમ.સી. કમિટિની ૧૦ બેઠકો મળી છે. ત્રણ મુખ્‍ય રાજકીય પક્ષો તરફથી આ કમિટિ સમક્ષ ૯૫૫ ક્રિએટીવ્‍સ પૂર્વ પ્રમાણિત થવા માટે રજૂ કરાયા હતા. જેની યોગ્‍ય ચકાસણી કરીને જરૂર જણાય ત્‍યાં સુધારા કરવાનું સૂચન કરાય છે અને તત્‍પાત તેને પ્રસારિત કરવા મંજૂરી આપવામાં આવે છે.

મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં આ વખતે સૌપ્રથમ વખત અમે ચેટબોટ તૈયાર કરી રહ્યા છીએ. આ ચેટબોટ પર મતદારો અને ઉમેદવારો માટેની જરૂરી પ્રાથમિક માહિતી પ્રશ્નોત્તરી સ્‍વરૂપે ઉપલબ્‍ધ હશે. ચેટબોટ એ એક મોબાઇલ નંબર ૬૩૫૭૧ ૪૭૭૪૬ છે. આ નંબર પર કોલ કરીને કોઇપણ વ્‍યકિત ઓટોમેટેડ ચેટથી જરૂરી માહિતી મેળવી શકશે. ઉમેદવાર અંગેની વિગતો, મતદાર યાદી સંબંધિત પ્રશ્નો, આદર્શ આચાર સંહિતાની  માહિતી, મતદાન કરવા માટે કયા-કયા પુરાવા જરૂરી છે  વગેરે પ્રકારની માહિતી પ્રશ્નોત્તરી સ્‍વરૂપે ઉપલબ્‍ધ હશે.

(11:12 am IST)