Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

'છાનીમાની નીકળ, તારા બધા ધંધાની ખબર છે,'સુરતમાં ભાજપની પૂર્વ અને હાલના નગરસેવિકાની જાહેરમાં બબાલ

શાબ્દિક તડાફડીનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઇરલ : વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઝઘડાના ઝાડવાથી ભાજપના કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા

સુરત : 'તું મારી સાથે વહીવટ કરવા આવતી નહીં . તું છાનીમાની નીકળ . તમે કેવા ધંધા કર્યા બધી મને ખબર છે . તે આખા ગામના પૈસા ખા ... પાંચસો ... પાંચસો રૂપિયા .... ' આ શબ્દો છે વોર્ડ નં . 15ની  વર્તમાન અને પૂર્વ મહિલા નગરસેવકો વચ્ચે જાહેરમાં થયેલી શાબ્દિક  તડાફડીનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો . સ્થાનિક વોર્ડ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન એકબીજાને જાહેરમાં થયેલી તૂ તૂ મે મેને લઇ ફરી એકવખત ભાજપના કાર્યકરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા .

બનાવની વિગતો મુજબ  પાલિકાની વોર્ડ નં . 15માં વર્ષા સોસાયટી આવેલી છે . લંબે હનુમાન રોડ ઉપર આવેલી સોસાયટીમાં ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરોદ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમમાં સ્થાનિક વોર્ડ વિસ્તારની પૂર્વ કોર્પોરેટર મંજુલા દૂધાત અને વર્તમાન મહિલા નગરસેવિકા રૂપા પંડ્યાએ જાહેરમાં તાયફો કર્યો હતો.

વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન અગમ્ય કારણોસર બંને જણાં આમને સામને આવી ગયા હતા . એકબીજા ઉપર શાબ્દિક પસ્તાળ પાડી હતી . આધારભૂત વર્તુળોના જણાવ્યા મુજબ પૂર્વ કોર્પોરેટર મંજુલા દૂધાતે વર્તમાન કોર્પોરેટરની રૂપા પંડ્યા સાથે સૌથી પહેલા અણછાજતું વર્તન કર્યું હતું.

  જાહેરમાં તેમની જીભ લપસી પડી હતી . તેઓ શબ્દોનો વિવેક ચૂકી ગયા હતા . આથી મહિલા કોર્પોરેટર રૂપા પંડ્યાએ મિજાજ ગુમાવ્યો હતો. વોર્ડના કાર્યકરો અને સ્થાનિક રહીશોની સામે જ પૂર્વ કોર્પોરેટર મંજુલા દૂધાતના ક્લાસ લઇ લીધા હતા. 'તું મારી સાથે વહીવટ કરવા આવતી નહીં. તું છાનીમાની નીકળ, તમે કેવા ધંધા કર્યા બધી મને ખબર છે. તે આખા ગામના પૈસા ખા .... પાંચસો .... પાંચસો રૂપિયા .. ' કહી મંજુલા દૂધાતની શાબ્દિક ધૂળ ખંખેરી હતી.

સાથોસાથ લોકો પાસેથી કામ કરવા માટે રૂપિયા પડાવ્યા હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો . એટલું જ નહીં દૂધાત પર ઝાડું ફેરવી દેવાની પણ ચીમકી આપી હતી . આ વીડિયો સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો હતો.

વોર્ડ નં . 15ના વર્તમાન અને પૂર્વ કોર્પોરેટરો વચ્ચે શાબ્દિક તણખાં ઝર્યા બાદ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપની આવી જ સ્થિતિ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે થોડા દિવસો પહેલા અને સંભવત: વિશ્વ પર્યાવરણ દિવસનો આ કાર્યક્રમ હોવાની ચર્ચા છે. જોકે, ભારતીય જનતા પાર્ટીએ આ મામલે કોઈ નક્કર શિસ્તના પગલાં લીધા હોવાનું જાણવામાં આવ્યું નથી.

(12:12 pm IST)