Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢે તો નવાઈ નહિ

૨૦૨૨ની ચૂંટણીમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય તેવી લાગણી દર્શાવતા નરેશભાઈ પટેલ : ખોડલધામ ખાતે કડવા - લેઉવા પાટીદાર આગેવાનોની ઐતિહાસિક બેઠક પૂર્વે ખોડલધામ કાગવડના મોભી નરેશભાઈ પટેલની પત્રકારો સાથે ખુલ્લા મનની વાતચીત : આગામી ચૂંટણી અંગે કોને સમર્થન આપવુ તે સહિતની બાબતો આજની બેઠકમાં ચર્ચાશે : પાટીદાર સમાજ સૌથી મોટો સમાજ છે, કદાચ ગુજરાતમાં સૌથી વધુ ટેકસ ભરતો હશે અને પક્ષમાં રહેલા પાટીદાર સમાજના આગેવાનોને તે મુજબ મહત્વ મળે તેમાં કંઈ ખોટુ નથી : રાજકીય અને વહીવટી ક્ષેત્રે પૂરતુ મહત્વ મળે તેવી સમાજની લાગણી છે : નરેશભાઈ

કાગવડ : આજે કાગવડ ખાતે કડવા અને લેઉવા પટેલોના રાજયભરના અગ્રણીઓની મહત્વની બેઠક મળી રહી છે ત્યારે ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલે ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે દરેક રાજકીય પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે. તેમણે દિલ્હીમાં આપ પક્ષ સારૂ કાર્ય કરી રહ્યાનુ જણાવેલ અને સુચક રીતે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં પણ ભવિષ્યમાં આપ પાર્ટી સારૂ કાર્ય કરી શકે છે. નરેશભાઈએ કહ્યુ હતુ કે પટેલ સમાજને કેશુબાપા જેવો બીજો આગેવાન મળ્યો નથી. આગામી ગુજરાતના મુખ્યમંત્રી બનવા અંગે તેમણે કહ્યુ હતુ કે એ સમયની હજુ વાર છે.

તેમણે કહ્યુ હતુ કે ટેકસ પણ પાટીદાર સમાજ સૌથી વધુ ભરતો હશે તેમ માનુ છુ. ખોડલધામ કાગવડ ખાતે કડવા અને લેઉવા પાટીદાર આગેવાનોની બેઠક શરૂ થાય તે પહેલા મીડીયા સમક્ષ નરેશભાઈએ જણાવેલ કે પાટીદાર સમાજ કોઈ મહત્વની જગ્યા માગે તો તેમા કંઈ ખોટુ નથી. ૨૦૨૨ની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે.

આગામી મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય તેમ અમે જરૂરથી ઈચ્છીએ છીએ. તેમણે કહ્યુ હતુ કે થોડા સમય પહેલા ઉંઝા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલ ત્યારે કડવા પાટીદાર આગેવાનોને ખોડલધામ દર્શન કરવા પધારવા નિમંત્રણ આપ્યુ હતું. સમાજના વિકાસ સહિતના જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી તેની ફરીથી આજે અહિં ખોડલધામ ખાતે બંને સમાજના આગેવાનો ચર્ચશે.

નરેશભાઈએ કહ્યુ હતું કે પાટીદાર સમાજ ગુજરાતમાં ખૂબ મોટો છે. તે સંદર્ભે રાજકીય અને વહીવટી ક્ષેત્રે પાટીદારોને વધુમાં વધુ પ્રતિનિધિત્વ અને મહત્વ કેમ મળે તેની ચર્ચા થશે. જે અધિકાર પાટીદાર સમાજનો છે તે અંગે ૧૦૦% અમે સરકારને રજૂઆત કરીશુ. જે અધિકાર અમારો બને છે એટલી જ માંગણી કરીશુ. પ્રધાનમંડળ વિસ્તરણ, આઇએએસ - આઈપીએસની બદલીઓ જેવી ઘટનાઓ તુરતમાં આકાર લઈ રહી છે તે અંગે નરેશભાઈએ પ્રતિભાવ આપ્યા હતા.

તેમણે કહ્યું કે કેશુબાપા પછી પાટીદાર સમાજને તેમના જેવું નેતૃત્વ મળ્યુ નથી. તેની પણ આજે ચર્ચા થશે. નરેશભાઈએ વિવિધ પક્ષોમાં પાટીદાર સમાજના વર્ચસ્વ અંગે પોતાના પ્રતિભાવો આપતા ઉપર મુજબ જણાવ્યુ હતું. એક પ્રશ્નના જવાબમાં નરેશભાઈએ કહ્યુ કે ૨૦૨૨ની ચૂંટણી હજુ વાર છે અને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજનો ચહેરો મુખ્યમંત્રી હોવો જોઈએ કે કેમ તે અંગે આજની મીટીંગમાં નિર્ણય લેવાશે.

નરેશભાઈએ એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે ઈતિહાસ એમ કહે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવતો નથી પરંતુ આપ (આમ આદમી પાર્ટી) જે રીતે દિલ્હીમાં કામ કરી રહેલ છે અને બીજા રાજયોમાં એના પ્રયોગો પણ સફળ થયા છે. તો મને લાગે છે કે આવતી ચૂંટણીમાં કદાચ આપ પક્ષને બેનીફીટ થશે. પાટીદાર સમાજ એ મોટો સમાજ છે અને આ મંચ ઉપરથી કે નરેશ પટેલ સમાજ કોને ટેકો આપે કે ન આપે તે ન કહી શકાય. તેમણે કહેલ કે બધા જ પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે જ પરંતુ સમાજના જે લોકો પક્ષમાં બેઠા છે તેમને મહત્વનો ફાળો મળે એના માટેની રજૂઆત અમારી રહેશે.

તેમણે કહ્યુ કે વસ્તીની દૃષ્ટિએ પાટીદાર સમાજ ખૂબ મોટો છે. ટેકસ પણ સૌથી વધુ ભરતો હશે.  ત્યારે પાટીદાર સમાજ કોઈ મહત્વની જગ્યા માગે તો એ ખોટુ પણ નથી. કોઈ પણ પક્ષ પ્રત્યે કે વ્યકિત પ્રત્યે ૨૦૨૨ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ખુલીને બહાર આવશે તે પ્રશ્નના જવાબમાં નરેશભાઈએ જણાવેલ કે સમયની માંગ મુજબ નિર્ણય લેવાશે.

(11:35 am IST)