Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મંદિરોમાં મોબાઈલી ચોરી કરતા શખ્સને રંગે હાથે ઝડપ્યો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે મંદિરોમાં આરતી સમયે દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈને તેઓના ખિસ્સામાંથી મોંઘા ભાવના મોબાઈલ ફોનોની ચોરી કરનાર પેટલાદના એક શખ્સને આણંદની બોરસદ ચોકડીએ વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. જે દરમ્યાન વધુ મોબાઈલ ચોરીનો ભેદ ઉકલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, પેટલાદનો રીઢો મોબાઈલ ચોર કમલેશ ઉર્ફે ભોલો આજે બોરસદ ચોકડીએ આવેલા ક્રિશ્ના કોમ્પલેક્ષ પાસે ચોરીનો મોબાઈલ ફોન વેચવા માટે આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમ્યાન એક શકમંદ શખ્સ હાથમાં થેલી લઈને આવી ચઢતા પોલીસે તેને શંકાને આધારે અટકાવવાનો પ્રયત્ન કરતા તે ભાગ્યો હતો જેથી પોલીસે તેનો પીછો પકડીને ઝડપી પાડ્યો હતો અને થેલીની તપાસણી કરતાં અંદરથી જુદી-જુદી કંપનીના કુલ ૯ મોબાઈલ ફોન કે જેની કિંમત ૬૪ હજાર રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યા હતા.
જે અંગે પુછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી તેને એલસીબી પોલીસ મથકે લાવીને નામઠામ પુછતાં પેટલાદના મલાવ ભાગોળ ખાતે રહેતો કમલેશ ઉર્ફે ભોલો અશોકભાઈ બીન ડાહ્યાભઈ તળપદા હોવાનું ખુલવા પામ્યુ ંહતુ. મોબાઈલ ફોનો અંગે વિસ્તૃત પુછતાછ કરતાં આ મોબાઈલ ફોનો તેણે ચોટીલા, બગદાણા, સારંગપુર, પીરભડીયાદ, ભાવનગર, જુનાગઢ વગેરે સ્થળોએ આવેલા મંદિરોમાંથી આરતી વખતે દર્શનાર્થીઓની અતિશય ભીડમાં ઘુસીને તેઓના ખીસ્સામાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી જેથી પોલીસે તમામ મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:34 pm IST)