Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

જેને જરૂરિયાત હોય તે લોકો જ રેમડેસિવિર ઈંજેક્શન ખરીદે જેથી કારણ વગરની તંગી ઉભી ન થાય: વિજયભાઈ રૂપાણી

માત્ર દસ દિવસમાં લગભગ 2.80 લાખથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનનો જથ્થો રાજ્ય સરકારે પૂરો પાડ્યો

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી દ્વારા રાજ્યભરમાં અસરકારક આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે આજે પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સર્વગ્રાહી સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના સંક્રમણ અટકાવવા પાટણ જિલ્લામાં દરરોજના 5000 કોરોનાના ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે ત્યાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વધારવામાં આવશે તથા કન્ટેઈન્ટમેન્ટ ઝોનનું કડક પાલન થાય એવી સૂચનાઓ પણ સબંધિતોને આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈંજેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં તા.1 થી 10 એપ્રિલ સુધીમાં 1,80,000 રેમડેસિવિર ઈંજેક્શન ફાર્માસિસ્ટોને સરકારે સપ્લાય કર્યો છે અને 1,05,000 રેમડેસિવિર ઈંજેક્શનનું રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલો મારફત વિતરણ કર્યું છે. માત્ર દસ દિવસમાં લગભગ 2.80 લાખથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનનો જથ્થો રાજ્ય સરકારે પૂરો પાડ્યો છે. આજથી અમદાવાદમાં કેડિલા કંપની દ્વારા રેમડેસિવિર ઈંજેક્શનનું પુન:વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, અમદાવાદમાં 50,000થી વધુ જ્યારે રાજકોટ, વડોદરા અને સુરતમાં 25-25 હજાર રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરી છે અને તેની વધુ જરૂરિયાતને પહોચી વળવા 3 લાખ રેમડેસિવિર ઈંજેક્શનનો રાજ્ય સરકારે ઓર્ડર આપ્યો છે. આજે ભારતમાં સૌથી વધુ રેમડેસિવિર ઈંજેક્શનની વ્યવસ્થા કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે લોકોને ઈંજેક્શનની જરૂરિયાત હોય તે લોકો જ રેમડેસિવિર ઈંજેક્શન ખરીદે જેથી કારણ વગરની તંગી ઉભી ન થાય તેની આપણે સૌ તકેદારી રાખીએ.

મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કામ વગર ઘરની બહાર ન નિકળીએ, માસ્ક પહેરિએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરીએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોનાની આ બીજી લહેર સમગ્ર ભારતમાં ઉંચા આંક સાથે વધી રહી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આ સંક્રમણને કાબૂમાં લેવા રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. કોરોના સંદર્ભે ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકતા સ્પષ્ટ કહ્યુ કે, પાટણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે નવું મશીન આપવામાં આવ્યું છે. જેનાથી હવે આર.ટી.પી.સી.આર ટેસ્ટનો રિપોર્ટ માત્ર છ કલાકમાં મળી જશે.

તેમણે ઉમેર્યુ કે પાટણ સહિત સમગ્ર રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેક્શન અને પૂરતા પ્રમાણમાં બેડ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને તેના માટે યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસમાં રાજ્યભરમાં રાજય સરકારે પંદર હજાર નવા બેડ ઉભા કરી લોકોને સારવાર મળે તેની વ્યવસ્થાઓ કરી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને સારવાર મળી રહે એ માટે રાજ્ય સરકારે સબંધિતોને આદેશો કરી દીધા છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં સંક્રમિતોને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ રાજ્યભરમાં ઉભી કરાઈ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે જે લોકો ઘરે રહી હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે તેમને ઘેર બેઠા રાજ્ય સરકાર દ્વારા દવાઓ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ પાટણની સેવાભાવી સંસ્થાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓએ કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરી ખૂબ સારી વ્યવસ્થા કરી છે. પાટણ જિલ્લામાં કોરોનાના દર્દીઓને સત્વરે સારવાર માટે નવા 500 બેડની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. જેનાથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પાટણ શહેર સુધી આવવું નહિ પડે અને ત્યાં જ એમને યોગ્ય સારવાર મળી રહે એની ચિંતા રાજ્ય સરકારે કરી છે એટલું જ નહિ સિદ્ધપુર, રાધનપુર અને ચાણસ્મામાં પણ કોવિડના દર્દીઓ માટે બેડની સુવિધાઓ વધારવામાં આવશે.

મુખ્યમંત્રીએ ધારપુર મેડિકલ કોલેજ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણા, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ર્ડા. જયંતિ રવિ, ખાસ ફરજ પરના અધિકારી અને પ્રવાસન અગ્ર સચિવ મમતા વર્મા, જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, ભૂજ રેન્જ આઇ.જી. જે.આર.મોથલીયા, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

(8:45 pm IST)
  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો વણથંભ્યો આતંક : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 405 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 475 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:28 pm IST

  • અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરી સ્ટોક ખાલી થઈ જતા, બપોરે 4 વાગ્યાથી રેમડેસિવિર ઈન્જેક્શ આપવાનું બંધ કર્યું : અત્યાર સુધીમાં 10,000 લોકોને રાહતભાવે આપ્યા ઇન્જેક્શન : ફરી વિતરણ ક્યારે શરૂ કરાશે એ બારા કંપનીએ કઈ ખુલાસો નથી કર્યો access_time 5:50 pm IST

  • મમતા બેનર્જીના પ્રચાર માટે જલપાઇ ગુડીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ access_time 3:02 pm IST