Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ખાડિયા હિંસા કેસમાં મયુર દવે સહિત પ નિર્દોષ જાહેર

કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇની હત્યાનો મામલો : સેશન્સ કોર્ટનો આદેશ : અગાઉ પૂર્વ સાંસદ હરિન પાઠક અને પૂર્વ આરોગ્યમંત્રી અશોક ભટ્ટ ડિસ્ચાર્જ કરાયા હતા

અમદાવાદ,તા.૧૨ : શહેરના ખાડિયા વિસ્તારમાં ૧૯૮૫માં થયેલા રમખાણો દરમ્યાન કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇની હત્યાના ચકચારભર્યા કેસમાં ભાજપના નેતા અને કોર્પોરેટર મયુર દવે સહિત પાંચ લોકોને અત્રેના એડિશનલ સેશન્સ જજ એ.આર.પટેલે આજે એક મહત્વના ચુકાદા મારફતે નિર્દોષ જાહેર કર્યા હતા.  અદાલત દ્વારા નિર્દોષ ઠરાવાયેલા અન્ય લોકોમાં પૂર્વ મંત્રી બિમલ શાહના ભાઇ કિરણ શાહ, પરેશ શાહ, એડવોકેટ અને સગા ભાઇઓ એવા મધુકર વ્યાસ, ધ્રુવકુમાર વ્યાસનો સમાવેશ થાય છે. સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, સને ૧૯૮૫ના રમખાણો વખતે એપ્રિલ માસ દરમ્યાન શહેરના ખાડિયા વિસ્તારમાં કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇ તથા અન્ય એક પોલીસ કર્મચારીને તોફાની ટોળાએ હુમલાનો ભોગ બનાવ્યા હતા. જેમાં કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇને પેટમાં ગુપ્તીના ઘા મારી દેવાતાં તેનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજયું હતું. આ કેસમાં તત્કાલીન ડીસીપી મહાપાત્ર દ્વારા ભાજપના પૂર્વ સાંસદ હરિન પાઠક, પૂર્વ આરોગ્યમંત્રી અશોક ભટ્ટ, ભાજપના કોર્પોરેટર મયુર દવે સહિત કુલ ૧૧ આરોપીઓ વિરૂધ્ધ  ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચકચારભર્યા આ કેસમાં પૂર્વ સાસંદ હરિન પાઠક અને પૂર્વ આરોગ્યમંત્રી અશોક ભટ્ટને ગુજરાત હાઇકોર્ટે ડિસ્ચાર્જ કર્યા હતા, જે હુકમને સુપ્રીમકોર્ટે પણ બહાલ રાખ્યો હતો. જેથી તેઓ આ કેસમાંથી બિનતહોમત છૂટયા હતા. જયારે ચાર આરોપીઓ કેસ ચાલવા દરમ્યાન ગુજરી ગયા હતા અને બાદમાં મયુર દવે સહિત પાંચ આરોપીઓ સામે કેસ ચાલી ગયો હતો. જેમાં બચાવપક્ષ તરફથી સિનિયર એડવોકેટ એચ.એમ.ધ્રુવ અને ચેતન શાહે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસમાં ફરિયાદી ડીસીપી મહાપાત્ર સહિતના સાક્ષીઓ આરોપીઓને ઓળખી શકયા નથી. સાંયોગિક પુરાવાથી પણ આ કેસ પુરવાર થયેલો નથી. કેસમાં આરોપીપક્ષ વિરૂધ્ધ કોઇ જ નક્કર કે પ્રથમદર્શનીય પુરાવા રજૂ થયા નથી. એટલે સુધી કે, ઇજાગ્રસ્ત સાક્ષી દ્વારા પણ આરોપીઓને ઓળખી બતાવાયા નથી. આ સંજોગોમાં ફરિયાદપક્ષ કેસ પુરવાર કરવામાં નિશંકપણે નિષ્ફળ રહ્યો હોઇ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઇએ. બચાવપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો.

(7:39 pm IST)
  • પ્રથમ રાફેલ ભારતને સપ્ટેમ્બરમાં મળી જશે : નવી દિલ્હીઃ ભારતીય હવાઇ દળના અધિકારીનો દાવોઃ રાફેલ પ્રોગ્રામ નિયત કાર્યક્રમ મુજબ જ છેઃ પ્રથમ વિમાન સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાંસમાં ડિલીવરી મળશે અને પછી એરક્રાફટને ભારત લવાશે access_time 3:52 pm IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ મામલો :વકીલને મળી શકશે ક્રિશ્ચિયન મિશેલ :કોર્ટે આપી મંજૂરી :વિશેષ ન્યાયાધીશ અરવિંદકુમારએ રોઝમેરીને તિહાડ જેલમાં સોમવારથી શુક્રવાર સુધી અડધો કલાક સામાન્ય મુલાકાતીની માફક મળવાની અનુમતિ આપી access_time 1:12 am IST