Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ગુજરાત : ચોમાસા બાદ હવે ૧૫મીથી શિયાળો શરૂ થશે

૧૩ અને ૧૪મી નવેમ્બરે વરસાદ પડવાની વકી : વધુ બે દિવસ વરસાદ માટેની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી : ૧૫ પછી શિયાળાની ફુલગુલાબી ઠંડીનો અહેસાસ

અમદાવાદ, તા.૧૧ : રાજ્ય પરથી મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા તા.૧૩ અને ૧૪ નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, શિયાળાની શરૂઆત પહેલા જ કમોસમી વરસાદનો સામનો કરવો પડશે. હવામાન વિભાગની આગાહી દ્વારા આગામી તા.૧૩ નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ અને તા.૧૪ નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસા બાદના આ કમોસમી અને પાછોતરા વરસાદની વિદાય બાદ તા.૧૫ નવેમ્બરથી રાજયમાં શિયાળાની ઠંડીની મોસમની શરૂઆત થશે. શિયાળાની શરૂઆત થતાં જ પ્રજાજનોને ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનું શરૂ થશે. જો કે, હાલ મોડી રાત બાદ ઠંડીની અસર તો ચાલુ થઇ જ ગઇ છે પરંતુ વિધિવત્ રીતે તા.૧૫મી નવેમ્બર પછી શિયાળાની ખરી અસર વર્તાવાનું શરૂ થશે. બીજીબાજુ, હવામાન વિભાગની આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. જો કે, ખેડૂતો હવે પાછોતરા અને કમોસમી વરસાદના કારણે કંટાળ્યા છે કારણ કે, તેઓના ઉભા અને તૈયાર પાકને બહુ વ્યાપક અને મોટાપાયે નુકસાન થયું છે.

(9:35 pm IST)