Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઇલેક્ટ્રોથર્મ કાંડ : ફરિયાદની તપાસની સામે સ્ટેનો ઇનકાર

શૈલેષ સહિતના આરોપીઓની કવોશીંગ પિટિશન : એમડી શૈલેષ ભંડારી, અશોક ભંડારી, અન્યોની કવોશીંગ પિટિશનમાં કોઅર્સીવ એકશન ન લેવા માટે કોર્ટનો હુકમ

અમદાવાદ, તા.૧૧ : ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપી એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી દ્વારા આ કેસમાં પોતાની સામે નોંધાયેલી ફરિયાદ રદ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરવામાં આવી છે. જો કે, હાઇકોર્ટે આ ફરિયાદની તપાસ સ્ટે કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અલબત્ત, હાઇકોર્ટે અરજદાર આરોપીઓ સામે કોઅર્સીવ એકશન લેવા નહી તેવો પણ નિર્દેશ કર્યો છે. આરોપી એમડી શૈલેષ ભંડારી સહિતના આરોપીઓ દ્વારા તેમની વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસ સ્ટે કરવાની માંગ કરી હતી, જો કે, હાઇકોર્ટે તેમની માંગણી ગ્રાહ્ય રાખી ન હતી. ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના કરોડો રૂપિયાના કૌભાંડમાં તાજેતરમાં જ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના ચકચારભર્યા કેસમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઇઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો હતો,

                 તેના અનુસંધાનમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં આખરે કંપનીના એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી સહિતના અન્ય આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ દ્વારા ઇલેક્ટ્રોથર્મના એમડી શૈલેષ ભંડારી, વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલના લિ.ના નાગેશ ભંડારી સહિતના આરોપીઓ વિરૂધ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદી તરીકે ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી અને ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી દર્શાવવામાં આવ્યા છે. ચકચારભર્યા આ કૌભાંડમાં કુલ ૧૬ આરોપીઓ વિરૂધ્ધ ત્રણ અલગ-અલગ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી., તેથી આ ફરિયાદો રદ કરાવવા માટે આરોપી એમડી  એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી, અશોક ભંડારી, વિવેક ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી દ્વારા હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન દાખલ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, ઇલેકટ્રોથર્મના લિ.ના ફાઉન્ડર મુકેશભાઇ ભંડારીની બોગસ સહીઓ અને દસ્તાવેજો મારફતે કંપનીના એમડી શૈલેષ ભંડારી તથા નાગેશ ભંડારીએ તાન્ઝાનીયામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ.૪૮૦ કરોડની લોન ફેસિલિટી મેળવી લીધી હતી.

                    કંપનીના ચેરમેન મુકેશભાઇ વિદેશમાં હોવાછતાં સંબંધિત દસ્તાવેજો અને ગેરેંટી ડીડમાં તેમની નોટરી રૂરૂ ખોટી સહીઓ કરી દેવાઇ હતી. સેન્ટ્રલ  બેંકની મંજૂર થયેલી રૂ.૪૮૦ કરોડની લોનમાંથી આરોપીઓએ અન્ય બેંકોના રૂ.૨૮૦ કરોડના દેવા બારોબાર ભરી દીધા અને રૂ.૭૩.૫૦ કરોડ હોંગકોંગ બેઝ્ડ એપલ કોમોડિટીઝ લિ.માં અને બીજા કુલ રૂ.૨૫ કરોડ સીંગાપોરની કેસલશાઇન પીટીઇ લિ.માં લેટર ઓફ ક્રેડિટ મારફતે ટ્રાન્સફર કરી કંપનીના નાણાંકીય ભંડોળની ઉચાપત કરાઇ હતી. બીજીબાજુ, લોન ભરપાઇ નહી કરાતાં અને શરતોનો ભંગ થતાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપીઓ સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઇએ આ કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ પણ રજૂ કર્યું હતું. ઉપરોકત આરોપીઓએ એપલ કોમોડિટીઝ પાસેથી કોલસો ખરીદવા અને કેસલશાઇન પાસેથી હોમ સ્ટ્રીપ મીલ ખરીદવા ફંડ ટ્રાન્સફર કર્યું હતુ પરંતુ વાસ્તવમાં કોલસો કે હોમ સ્ટ્રીપ મીલ પ્રોડકટ ઇલક્ટ્રોથર્મમાં આવ્યા જ નથી. એટલું જ નહી,

                   આરોપીઓએ એવુ ધુપ્પલ ચલાવ્યું હતું કે, આ કોલસો બારોબાર વીકટ્રી રિચ ટ્રેડીંગ પ્રા લિ.ને વેચી માર્યો છે. એટલું જ નહી, આરોપી એમડી શૈલેષ ભંડારીએ કોઇપણ કાયદાકીય પ્રોસીજર અનુસર્યા વિના રૂ.૩૪ કરોડ વર્ષ ૨૦૧૫-૧૬ વિકટ્રી રીચ ટ્રેડીંગ લિ.ની તરફેણમાં રાઇટ ઓફ કર્યા હતા. એટલું જ નહી, ૨૦૦૭માં કેસલશાઇન પીટીઇ લિ.માં સ્ક્રેપ ખરીદવા રૂ.૧૨.૩૧ કરોડ એસબીઆઇમાંથી લેટર ઓફ ક્રેડિટ મારફતે ટ્રાન્સફર કરાયા હતા. આમ, શૈેલેષ ભંડારી અને તેના મળતીયાઓ ઇલેક્ટ્રોથર્મના કરોડો રૂપિયાના ભંડોળનો દૂરપયોગ અને નાણાંકીય ઉચાપત માટે બોગસ ફર્મ ઉભી કરી સમગ્ર કૌભાંડ આચરાયુ હતુ. કંપનીઝ એકટની જોગવાઇઓ તેમ જ સંબંધિત કાયદાકીય જોગવાઓ અનુસર્યા વિના જ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના કરોડો રૂપિયાના ભંડોળનો દૂરપયોગ કરી ગંભીર નાણાંકીય ઉચાપત, છેતરપીંડી અને વિશ્વાસઘાત આચર્યા હતા, હવે આ કેસમાં હાઇકોર્ટે તપાસ સ્ટે નહી કરી હોવાથી સીઆઇડી ક્રાઇમ સમગ્ર તપાસ આગળ હાથ ધરી શકશે, ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટના હુકમ મુજબ તપાસનો અહેવાલ તેને કોર્ટમાં રજૂ કરવાનો છે.

કોની સામે એફઆઇઆર

નવીદિલ્હી, તા. ૧૫ : ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ. કંપનીના એમડી શૈલેષ ભંડારી, સીંગાપોરની કેસલશાઇન પીટીઇ લિ.ના ડાયરેકટર અશોક રામચંદલાલ ભંડારી, કલ્યાણ સુંદરમ મારન, ફેનીડેન ઇન્ટરનેશનલ લિ.ના જવાબદાર અધિકારી, વિવેક અશોક ભંડારી, એપલ કોમોડિટીઝ લિ.ના ડાયરેકટર અશોક નરેન્દ્ર ગર્ગ, અંકિત ગર્ગ, નિશ્ચિલ જૈન, કેલોન્ત શીકો., વીકટ્રી રીચ ટ્રેડીંગ લિ.ના ડાયરેકટર સુઇ પુઇ યાન, નિકુંજ ક્રિષ્નકુમાર ગોયલ સહિતના આરોપીઓ વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમ દ્વારા ત્રણ જુદી જુદી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. હવે આ સમગ્ર ચકચારભર્યા કૌભાંડમાં ધરપકડનો દોર શરૂ થવાના ભણકારા વાગતાં મુખ્ય આરોપીઓએ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

(8:21 pm IST)