Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 'હેલ્મેટ'નો મુદ્દો ભાજપનું 'માથુ' ભાંગશે ?

સ્થળ પર વસુલાતા દંડ ઉપરાંત ધડાધડ પડાતા ફોટાથી લોકોનો આક્રોશ વધી રહ્યો છેઃ સરકારે આંકડા મંગાવ્યાઃ ભાજપના શુભેચ્છકોએ સરકાર સુધી 'લાગણી' પહોંચાડીઃ શહેરી ક્ષેત્રોમાં મુકિત આપવા અથવા 'હળવા' રહેવાની રજુઆત

રાજકોટ, તા. ૧૧ :. ગુજરાતમાં તા. ૧ નવેમ્બરથી હેલ્મેટ, પીયૂસી વગેરે સહિતના ટ્રાફીકના નવા નિયમોનો અમલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હેલ્મેટના મુદ્દે લોકોમાં તિવ્ર પ્રત્યાઘાત જોવા મળે છે. હેલ્મેટ લોકોની સલામતી માટે ફરજીયાત કરાયાનો સરકારનો દાવો છતાં હેલ્મેટના કારણે ગીચ શહેરી વિસ્તારોમાં પડતી મુશ્કેલીથી લોકોની નારાજગી વધતી જાય છે. સ્થળ ઉપર પોલીસ રોકીને દંડ વસુલે છે તે ઉપરાંત પોલીસ દ્વારા મોબાઈલ ફોનથી કે માર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરાથી ફોટા પાડીને મોકલાતા ઈ-મેમા લોકો માટે માથાના દુઃખાવારૂપ બન્યા છે. હેલ્મેટ ન પહેરવા બદલ રૂ. ૫૦૦નો દંડ ગરીબ અને મધ્યમ વર્ગ માટે અસહ્ય થઈ ગયો છે. અમુક જગ્યાએ પોલીસ અને ટુ-વ્હીલર્સ વાહનચાલકો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. સરકારનો હેતુ ગમે તે હોય પરંતુ હેલ્મેટનો મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું માથુ ભાંગનારો બની શકે તે પ્રકારની રજુઆત સંગઠન અને સરકારમાં ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યાનું જાણવા મળે છે.

ટ્રાફીકના નવા નિયમો કેન્દ્ર સરકારે બનાવ્યા છે. રાજ્ય સરકાર નાના શહેરોમાં તેમાથી મુકિત આપી શકે કે નહિ ? તે બાબતે એકથી વધુ મત પ્રવર્તે છે. રાજકોટ જેવા શહેરોમાં વાહનો એકદમ મર્યાદીત ગતિથી જ ચાલી શકે તેવી સ્થિતિ છે. આવા શહેરોમાં જે અકસ્માત થાય છે તેમા માથાની ઈજાને કારણે મૃત્યુ થતા હોય તેવુ પ્રમાણ એકદમ ઓછું છે. સરકાર અને સ્થાનિક તંત્ર રસ્તા અને ટ્રાફીકની વ્યવસ્થા સુધારવાના બદલે હેલ્મેટના અમલમાં વધુ રસ લઈ રહ્યુ હોય તેવુ લાગે છે. વયોવૃદ્ધ વાહન ચાલકો તેમજ અન્ય કેટલાય લોકોને હેલ્મેટ શારીરિક દ્રષ્ટિએ માફક આવતી નથી. બાઈક જેવા વાહનોમાં હેલ્મેટ સાચવવાની સમસ્યા થાય છે. ધડાધડ ઈ-મેમા મોકલાતા હોવાથી તેના સામુહિક પ્રત્યાઘાતો આવતા નથી પરંતુ તેની અસર ઘર ઘર સુધી પહોંચી ગઈ છે. કેટલાય લોકો મનેકમને હેલ્મેટ પહેરતા થઈ ગયા છે.

શહેરોમાં હેલ્મેટ ન જોઈએ તેવુ માનનારા વર્ગની દલીલ છે કે સરકારે દિવાળી પહેલા હેલ્મેટમાથી દોઢ મહિના માટે મુકિત આપેલ. તે વખતે હેલ્મેટ પહેરનારાઓનું પ્રમાણ નહિવત થઈ ગયુ છે તે જ બતાવે છે કે લોકો શું ઈચ્છે છે ? હાઈવે પર હેલ્મેટની જરૂરીયાત સામે કોઈનો વિરોધ નથી. હેલ્મેટ ફરજીયાતના નામે સરકારે ઉઘરાણીના ચોક્કસ લક્ષ્યાંક આપ્યાના આક્ષેપો થયા હતા. જો કે સરકારે આ બાબતને નકારી હેલ્મેટ માત્ર લોકોના હિત માટે જ હોવાનો દાવો કર્યો હતો.

રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટની બાબતમાઙ્ગસખ્તાઈ ન કરવા પોલીસને નિર્દેશ કર્યાનું ચર્ચાય રહ્યુ છે. સ્થળ પર રોકીને હેલ્મેટનો દંડ વસુલવાનુ પ્રમાણ અગાઉની સરખામણી ઘટયુ જણાય છે છતાં ઈ-મેમા તો ઘરે આવે ત્યારે જ ખબર પડે. સરકાર સુધી જુદી જુદી રજૂઆતો થતા સરકારે નવો કાયદો અમલમાં આવ્યા પછી પોલીસે પ્રથમ ૧૦ દિવસમાં સ્થળ પર કેટલા કેસ કર્યા ? અને ફોટા પાડીને કેટલા મેમા મોકલ્યા ? તેની આંકડાકીય માહિતી એકત્ર કરવા તજવીજ હાથ ધર્યાનું જાણવા મળે છે. આવતા ઓકટોબર-નવેમ્બરમાં તાલુકા - જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે તે વખતે જો હેલ્મેટનો મુદ્દો સળગતો હશે તો ભાજપને ચોક્કસ અસર કરશે તે પ્રકારની લાગણી ભાજપના શુભેચ્છકોએ ઉચ્ચ કક્ષાએ પહોંચાડયાનું જાણવા મળે છે.

(12:55 pm IST)