Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વડતાલ ખાતે ઉજવાઈ રહેલ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે

શાસ્રી શ્રી માધવપ્રિયદાસજીનું આગમ-નિગમ અને વચનામૃત ઉપર તુલનાત્મક પ્રવચન

હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થ વડતાલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (૦૫/12) ના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનોની વેદિક શ્રુતિઓ સાથે તુલના કરી હતી અને કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે. સનાતન ધર્મનું શ્રેષ્ઠ રૂપ છે.

ભારતમાં વેદ-પુરાણની જેમ જ આગમ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. ભારતીય દર્શનોમાં વેષ્ણવ આગમ, શૈવ આગમ અને શાક્ત આગમ પ્રસિદ્ધ છે. એ જ રીતે જેન આગમ પણ છે અને બૌધ આગમ પણ છે.

આગમ પુરાણોથી પણ પ્રાચીન છે. તમામ વેષ્ણવ સંપ્રદાયોમાં પંચરાત્ર આગમને આદરથી માનવામાં આવે છે. પંચરાત્ર આગમના મૂળ પ્રવક્તા ભગવાન નારાયણ છે. નારાયણે એ જ્ઞાન શંકર્ષણને આપેલું. શંકર્ષણે એ જ્ઞાન નારદજીને આપ્યું હતું.

પંચરાત્ર આગમની અનેક સંહિતાઓ છે. નારદજીએ સંહિતાઓનું સંકલન કર્યું છે, જેને “નારદ પંચરાત્ર'

કહેવાય છે.

ભારતીય સંસ્કૃતિના મંદિરોના નિર્માણમાં, મૂર્તિઓની પ્રતિષ્ઠામાં, દીક્ષા વિધાનમાં અને મંત્ર વિધાનમાં

પંચરાત્ર આગમનો જબરો પ્રભાવ છે.

પંચરાત્ર આગમ માતા સમાન છે. મા જેમ બાળકને પિતા પાસે લઈ જાય એમ આગમ જીવને ભગવાન સુધી દોરી જાય છે. એટલે એમનું “આગમ' નામ સાર્થક છે.

અંતર્યામી સ્વરૂપે અણુએ અણુમાં રહેલા પરમાત્મા આપણાથી જોઈ શકાતા નથી. એ જ રીતે દિવ્ય ધામોમાં વિરાજમાન પરમતત્ત્વ પણ દેખાતું નથી. ત્યારે પંચરાત્ર આગમ અવતારો અને મૂર્તિઓ દ્વારા પરમાત્માની સુલભતા દર્શાવે છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં પંચરાત્ર આગમને ખૂબ મહત્ત્વ આપેલું છે. પરમાત્માના પર, વ્યૂહ, વિભવ, અર્ચા અને અંતર્યામી આ પાંચ પ્રકારના જ્ઞાનનું શાસ્ર હોવાથી આ આગમ પંચરાત્ર આગમ

ગણાય છે.

સ્વામીશ્રીની વાત સાંભળી સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને સુશીક્ષિત હજારો સંત અને હજારો હરિભક્તો ખૂબ જ રાજી થયા હતા.

 

(12:23 pm IST)