Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

માનો યા ન માનોઃ ચોથા વર્ગના આ કર્મચારી પાસે ઓડી, ફોર્ચ્યુનર અને મર્સીડીઝ જેવી કારો અને કરોડોની મિલ્કત છે

બાટવા સર્કલના ઇલેકટ્રીક આસીસ્ટન્ટ ભરતભાઇ ગરચરની બેનામી સંપતીની એસીબી તપાસમાં કરોડોની મિલ્કતો નિકળી પડતા ખળભળાટ : મોંઘાદાટ સોનાના ઘરેણાઓ અને ૬૬ લાખ જેટલી રોકડ બેંક ખાતામાં જમાઃ પત્ની અને ભાઇઓના નામે પણ બેનામી મિલ્કતોઃ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં જુનાગઢ એસીબીના મદદનીશ નિયામક બી.એલ. દેસાઇ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૧: ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના સુધારા અંતર્ગત અપ્રમાણસર મિલ્કતો બાબતે અને બેનામી સંપતી 'ધી પ્રોહીબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એકટ-૧૯૮૮' માં થયેલા સુધારાને નજરમાં રાખી સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને સગા સંબંધી અને મિત્રોના નામે સ્થાવર જંગમ મિલ્કતમાં કરેલ રોકાણ બાબતે વધુમાં વધુ કેસો શોધી કાઢવા એસીબીના સ્પેશ્યલ ડાયરેકટર કેશવકુમારના માર્ગદર્શન હેઠળની ચાલતી તપાસમાં એક ન માની શકાય તેવી હકિકત ખુલવા પામી છે. ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવતા ભરતભાઇ સાજણભાઇ ગરચરની મિલ્કતોની તપાસ દરમિયાન કરોડો રૂપીયાની જમીન, મિલ્કતો, વૈભવી કારો, સોનાના દાગીનાઓ વિગેરેની માહીતી જુનાગઢ એસીબી એકમના મદદનીશ નિયામક બી.એલ.દેસાઇની તપાસ દરમિયાન મળી આવેલ છે.

નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી (બાટવા સર્કલ) પીજીવીસીએલ પોરબંદર રહે.ગીર સોમનાથ, વેરાવળના ભરતભાઇ ગરચરે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં ૧ કરોડ ૩ લાખ રર હજાર પ૯૭  પુરા જે અંદાજે ૮૯.૧ર ટકા જેટલુ વધારે રોકાણ કરેલ હોવાનું ખુલતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરતભાઇ ગરચર ચોથા વર્ગમાં ફરજ બજાવતા હોવા છતા મોંઘીદાટ લકઝરીયસ  કારો જેમાં ઓડી, ફોર્ચ્યુનર, એન્ડવર, ઇનોવા અને મર્સીડીઝ પોતાના નામે વસાવી હોવાનું ખુલવા પામેલ છે. એટલું જ નહી આ શખ્સે  સોનાઓના મોંઘાદાટ ઘરેણામાં મોટુ રોકાણ કર્યાનું પણ ખુલવા પામેલ છે. તેમના નામના બેંક એકાઉન્ટમાં ૬પ લાખ ૮૦ હજાર ર૦૦ જેટલી રકમ જમા હોવાનું અને આ રકમ નોટબંધીના ગાળા દરમિયાન ૩ વર્ષના ટુંકા ગાળામાં જ જમા થયાનું ખુલવા પામેલ છે. આટલી બધી મિલ્કતો અંગે તેઓ કોઇ ખુલાસો ન કરી શકતા  જુનાગઢ એસીબીના મદદનીશ નિયામક બી.એલ. દેસાઇએ સરકાર તરફથી ફરીયાદી બની ભરતભાઇ ગરચર વિરૂધ્ધ  ગુન્હા દાખલ કરી વિશેષ તપાસ એસીબી ગીરસોમનાથના પીઆઇને સુપ્રત થઇ છે.

(11:47 am IST)