Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આંકલાવના જીલોડ નજીક કારને ટ્રકની હડફેટે લઇ મર્ડરના ઈરાદાથી અકસ્માત કરતા ગુનો દાખલ

આંકલાવ:ના જીલોડ પાસે કોસીન્દ્રાના ત્રણ પિતરાઈ ભાઈઓની કારને ટ્રકે ટક્કર મારીને મોત નીપજાવવાનો બનાવ પુર્વઆયોજીત કાવતરું રચીને ફેટલ મર્ડર હોવાનું ખુલવા પામતાં જ આંકલાવ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કરીને ટ્રકના ડ્રાયવર, માલિક અને કોસીન્દ્રાના વકિલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર કોસીન્દ્રા ગામે રહેતા પિતરાઈ ભાઈઓ અનવરમીંયા મલેક, નીયાઝમીંયા મલેક તથા અજીમમીંયા મલેક કડિયાકામની મજુરી કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. ગત ૨૨મી તારીખના રોજ તેઓ પોતાની વેગન આર કાર લઈને બામણગામે મજુરીએ ગયા હતા જ્યાં મજુરી કામ પતાવીને સાંજના સુમારે પોતાની કારમાં પરત આવતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ગોધરા પાર્સીગની ઈંટો ભરેલી ટ્રકે કારને ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. જેમાં સવાર ત્રણેયના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. 

ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં જ તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેયની ગામના જ વકિલ અને તેમના કટ્ટર વિરોધી શાહરૂખખાન શબ્બીરખાન મલેક દ્વારા પ્રીપ્લાનથી અકસ્માત સર્જી હત્યા કરવામાં આવી હાવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવી દીધો હતો. સવારે પીએમ કર્યા બાદ પણ લાશો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આંકલાવ પોલીસ મથકે દોડી આવ્યા હતા પરિવાજનોને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની બાંયેધરી આપી હતી. ત્યારબાદ લાશો સ્વીકારાઈ હતી અને અંતિમક્રિયા કરવામાં આવી હતી. આંકલાવ પોલીસે જે તે વખતે ટ્રકના ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. પોલીસે જેમની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે તે શાહરૂખખાન મલેક, ટ્રકના ડ્રાયવર તેમજ માલિકની કોલ ડીટેલ્સ કઢાવી હતી જેમાં બનાવના દિવસે કેટલીય વખત વાતચીત થયાનું ખુલવા પામ્યું હતુ. વળી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ કરવામાં આવતાં ટ્રક ચાલક દ્વારા જાણી જોઈને રોંગ સાઈડે જઈને કારને ટક્કર માર્યાનું ખુલવા પામ્યું હતુ. આ બધા પુરાવાઓ મળી આવતાં જ ગઈકાલે આંકલાવ પોલીસે પુર્વઆયોજીત કાવતરું રચીને ત્રણેયની અકસ્માત સર્જીને હત્યા કરવામાં આવી હોવાનો રીપોર્ટ કર્યો હતો.

 

(5:24 pm IST)