Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બાપુનગર હીરાવાડી નજીક હજારો પાટીદારો રસ્તા પર

હાર્દિકના સમર્થનમાં પાટીદારો રસ્તા પર ઉતર્યા : પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી : ક્ષણિક તંગદિલી ફેલાઈ : પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો

અમદાવાદ, તા.૧૦ :       પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફીની માગને લઇને ઉપવાસ પર ઊતરેલા પાસના કન્વીનર હાર્દિક પટેલના સર્મથનમાં ગઇકાલે શહેરના બાપુનગર હીરાવાડી પાસે હજારો પાટીદારો એકાએક રોડ પર ઊતરી આવ્યા હતા. હજારો પાટીદારો જય સરદાર, જય પાટીદારના નારા સાથે સૂત્રોચ્ચાર કરી પાટીદારોએ વાતાવરણ ગજવી મૂકયું હતું. પાટીદારોની આટલી મોટી સંખ્યા રસ્તા પર આવી જતાં પોલીસનો મોટો કાફલો ત્યાં ઉતારી દેવાયો હતો. એક તબક્કે વાતાવરણ વણસતાં ટોળાને વિખેરવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના સમર્થનમાં ગઇકાલે પાટણથી ઉંઝા સુધીની પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી ત્યારે બીજીબાજુ, ગઇકાલે મોડી રાતે જય સરદાર જય પાટીદારના સૂત્રોચ્ચાર સાથે એસપી રિંગ રોડ અને

બાપુનગરના હીરાવાડી સર્કલ પાસે પાંચ હજારથી વધુ પાટીદારો ભેગા થઇ ગયા હતા અને જાહેર રોડ પર ભારે સૂત્રોચ્ચાર કરીને ટાયરો સળગાવીને તંગદિલીનો માહોલ સર્જયો હતો. પોલીસે સમયસર ઘટના સ્થળે પહોેંચીને ઉશ્કેરાયેલાં ટોળાંઓને વેરવિખેર કરીને હળવો લાઠ્ઠી ચાર્જ પણ કર્યો હતો. જ્યારે બાપુનગર પોલીસ સ્ટેશન અને નરોડા પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ પાટીદારો વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કર્યો હતો. હાર્દિક પટેલની તબીયતમાં સુધારો થતાં શનિવારે  હોસ્પિટલમાંથી તેને રજા અપાઇ હતી અને ત્યારબાદ ફરીથી તેણે પોતાની છાવણીમાં જઇને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. હાર્દિકના સર્મથનમાં અમદાવાદ સહિત ગુજરાતના પાટીદારો રોડ પર ઊતરી આવ્યા હતા. પાટણથી ઊંઝા સુધી સદભાવના યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં હજારો પાટીદારો જોડાયા હતા. આ યાત્રા ૩૪ કિલોમીટર લાંબી હતી. પાટણથી નીકળેલી સદભાવના યાત્રાના પગલે ઊંઝા પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદના બાપુનગરમાં આવેલા હીરાવાડી પાસે પણ ગઇકાલે મોડી રાતે હજારો પાટીદારો રોડ પર ઊતરી આવ્યા હતા. જય સરદાર જય પાટીદાર સાથે લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા અને જાહેર રોડ પર ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ઘટનાની જણ પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ટોળાંઓને વેરવિખેર કરવા માટે હળવો લાઠ્ઠીચાર્જ પણ કર્યો હતો હીરાવાડીની બબાલ શાંત થઇ ત્યારે નરોડા નજીક આવેલ દસ્તાન સર્કલ પાસે રહેતા એક યુવકે કંટ્રોલ મેસેજ આપ્યો કે કેટલાક યુવકો જય સરદાર જય પાટીદારના નામે જાહેર રોડ પર ટાયરો સળગાવી રહ્યા છે.

કંટ્રોલમાં મેસેજ મળતાની સાથે જ નરોડા પોલીસ અને નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. નરોડા પોલીસે આ મામલે, સાતથી આઠ યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ સિવાય રાજ્યભરમાં કેટલાય પાટીદારો હાર્દિકના સમર્થનમાં આગળ આવ્યા છે. રાજ્યમાં ફરીથી તંગદિલીનો માહોલ સર્જાય નહીં તે માટે પોલીસ ઠેરઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

(8:17 pm IST)