Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ઉત્તર તેમજ પૂર્વના વિસ્તારોમાં પણ નર્મદાનું પાણી મળી શકશે

આગામી દોઢેક વર્ષમાં પ્રોજેકટને અમલી બનાવાશેઃ હવે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સરફેસ વોટર આપવા માટે કોર્પોરેશન દ્વારા ૧૫૭.૬૮ કરોડનો અંદાજ તૈયાર કરાયો

અમદાવાદ, તા.૧૧: શહેરના ઉત્તર-પૂર્વ વિસ્તારના સરદાર પટેલ રિંગરોડને સમાંતર આવેલા નવા વિકસિત થતા નાના ચિલોડા, નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ તથા રામોલ સહિતના વિસ્તારોમાં પણ હવે પશ્ચિમ અને નવા પશ્ચિમના વિસ્તારોની જેમ નર્મદાના પાણી મળતા થઇ જશે. અમ્યુકો તંત્ર દ્વારા ઉત્તર અને પૂર્વના પટ્ટાના વિસ્તારોને આગામી દોઢેક વર્ષમાં નર્મદાનું શુદ્ધ પાણી મળતુ થઇ જાય તે રીતે પ્રોજેકટ અમલી બનાવવાની દિશામાં કવાયત હાથ ધરવામાં આવી છે. સોમવારે મળનારી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં તંત્રના વોટર પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઉત્તર-પૂર્વ વિસ્તારના સરદાર પટેલ રિંગરોડને સમાંતર આવેલા નવા ડેવલપ થતા નાના ચિલોડા, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ તથા રામોલ વિસ્તારોમાં નર્મદાનું શુદ્ધ સરફેસ વોટર પૂરું પાડવા અંગે દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. આ દરખાસ્ત મુજબ કોતરપુર વોટર વર્ક્સ ખાતે નવા બનનાર ૩૦૦ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સરફેસ વોટર પૂરું પાડવા માટે કોતરપુર વોટર વર્ક્સથી નાના ચિલોડા સર્કલ થઈ દાસ્તાન સર્કલ થઈ ઓઢવ રિંગરોડ ચાર રસ્તાથી વસ્ત્રાલ થઈ રામોલ-વાંચ ટોલ પ્લાઝાથી એક્સપ્રેસ હાઈવે સમાંતર રામોલ-વાંચ નજીકના રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ૨૧૦૦ મી.મી. વ્યાસની ટ્રન્ક મેઈન લાઈન સુધી રિંગરોડ સમાંતર જુદા જુદા વ્યાસની એમએસ-ડીઆઈ ટ્રન્ક લાઈન નાખવા સહિતની કામગીરી માટે રૂ.૧૫૭.૬૮ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. આ ઉપરાંત નરોડા વોર્ડમાં વ્યાસવાડી રોડ પર બેકિંગના પ્રશ્નના નિરાકરણ માટે સ્વપ્નસૃષ્ટિ પમ્પિંગથી લક્ષ્મીવિલા ચોકડી સુધીની હયાત રાઈઝિંગ લાઈનને ૧૦૮ હેડ ક્વાર્ટર્સ સુધી લંબાવવા માટે જરૂરી મટીરિયલ તેમજ મજૂરીકામ માટે રૂ. ૨૦.૫૬ લાખનો અંદાજ, થલતેજ વોર્ડના ગામતળ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવા રૂ.૨૪.૬૭ લાખનું ટેન્ડર, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં આવેલા વિભિન્ન વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન ખાતે આરસીસી એપ્રોચ રોડ, ઈન્ટરબ્લોકિંગ પેવર બ્લોક લગાવવા સહિતના કામ માટે રૂ.૫૬.૭૮ લાખના અંદાજ સહિતની દરખાસ્ત તંત્ર દ્વારા તૈયાર કરીને કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાઈ છે. આ તમામ દરખાસ્તો સંદર્ભે અમ્યુકો તંત્ર દ્વારા આગામી દિવસોમાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી તેનું અમલીકરણ કરવામાં આવશે. જેમાં ઉત્તર-પૂર્વના ઉપરોકત વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ સૌથી અગત્યનું છે. અમ્યુકોના આ પ્રોજેકટને પગલે ઉત્તર-પૂર્વના રહીશોને નર્મદાના પાણીનો લાભ મળવાથી રાહત થશે.

(10:06 pm IST)