Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

વડોદરાના કોન્ટ્રાકટર પાસેથી 1 લાખની લાંચ લેવાના પ્રકરણમાં સોજીત્રાના કોંગ્રેસ પ્રમુખ ઝડપાયા

વડોદરા:ના એક કોન્ટ્રાક્ટર પાસેથી સોજીત્રા નગરના વંદેવાળ તળાવવાળા કબ્રસ્તાનની દિવાલ બનાવવાના કામના છેલ્લા બીલ તેમજ ડીપોઝીટની ૧૦.૯૧ લાખ ઉપરાંતની રકમની ચુકવણીના બદલામાં એક લાખની લાંચની રકમ સ્વીકારતાં સોજીત્રા શહેર કોંગ્રેસ પ્રમુખ અને માજી સભ્ય યોગેશભાઈ જનાર્દનભાઈ પટેલ વડોદરા એસીબીના હાથે ઝડપાઈ જવા પામતાં આણંદ જીલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા ખાતે રહેતા એક કોન્ટ્રાક્ટર મારૂતી ઈન્ફા.ના નામથી સરકારી બાંધકામના કોન્ટ્રાકટનુ ંકામકાજ કરે છે. તેઓને બીન્દ્રા કન્સ્ટ્રક્શન તરફથી દોઢ વર્ષ પહેલાં સબ કોન્ટ્રાક્ટર તરીકે સોજીત્રા નગરપાલિકાનો વંદેવાળ તળાવવાળા કબ્રસ્તાનની દિવાલ બનાવવાનું કામ વર્ક ઓર્ડરથી મળ્યું હતુ. જે કામ ૮૦ ટકા પૂર્ણ થઈ જવા પામ્યું હતુ. જેથી તેના છેલ્લા બીલની તેમજ ડીપોઝીટ મળીને કુલ ૧૦,૯૧,૨૮૮ની રકમની ચુકવણી માટે કોન્ટ્રાક્ટરે પાલિકામાં માંગણી કરી હતી. સોજીત્રા પાલિકાનો સઘળો વહિવટ કરતાં સોજીત્રા શહેર કોંગ્રેસના પ્રમુખ અને માજી કાઉન્સીલર તેમજ આણંદ જિલ્લા પંચાયતના માજી સભ્ય યોગેશભાઈ જનાર્દનભાઈ પટેલે પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર પાસેથી બીલનો ચેક પાસ કરાવી આપવા માટે ૧.૩૦ લાખની માંગણી કરવામાં આવી હતી. 

હાના હાના કરતાં આખરે ૧ લાખમાં સોદો નક્કી થયો હતો. દરમ્યાન કોન્ટ્રાક્ટરે વડોદરા રૂરલ એસીબીમાં જઈને ફરિયાદ આપતાં આજે લાંચના છટકાનું આયોજન ગોઠવવામાં આવ્યું હતુ. જે અનુસાર યોગેશભાઈએ કોન્ટ્રાક્ટરને રાત્રીના પોણા આઠેક વાગ્યાના સુમારે સોજીત્રા-તારાપુર રોડ ઉપર આવેલ ડાલી ગામ આગળની કેનાલ પાસે બોલાવ્યા હતા. જ્યાં કોન્ટ્રાક્ટર પહોંચી ગયા હતા અને લાંચની રકમ આપતાંની સાથે જ ટ્રેપમાં ગોઠવાયેલા એસીબી પીઆઈ આર. એન. દવે તથા સ્ટાફના જવાનો ત્રાટક્યા હતા અને યોગેશભાઈ પટેલને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રેપની એક લાખની પાવડરવાળી નોટો જપ્ત કરીને યોગેશભાઈ વિરૂધ્ધ ભ્રષ્ટ્રાચાર અધિનિયમની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન લાંચમાં ભાગીદાર અન્યોના નામો ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ સોજીત્રા શહેર કોંગ્રેસના પ્રમુખ એક લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા હોવાના સમાચાર આણંદ જિલ્લામા વાયુવેગે ફરતાં રાજકીય હલચલ વધી જવા પામી છે.

(5:07 pm IST)