Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વડોદરા જિલ્લાના રાજકારણમાં અફવાને પાંખો ફૂટી

રાજયસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે ધારાસભ્‍યનો ભાજપ પ્રવેશ નક્કી?

વડોદરા તા. ૧૧ :.. રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી મહિના દરમિયાન યોજવામાં આવનારી ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે ધારાસભ્‍યોને તોડવાની કોશિષ શરૂ કરવામાં આવી હોવાની અફવાને પાંખો ફૂટી છે. કોંગ્રેસના ધારાસભ્‍યોને પદ કે પૈસાની કે પછી કોઇ નિગમના ચેરમેન બનાવી દેવાની લાલચ આપીને પક્ષ પલટો કરાવવામાં આવે તો નવાઇ નહીં. જો કે કોંગ્રેસના ધારાસભ્‍યોને તોડવાની આ વાતોથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો વર્તાવા લાગ્‍યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના રાજકારણમાં એવી અફવાએ જોર પકડયું છે કે, રાજયસભાની બંને બેઠક જીતવા માટે ભાજપને વધુ મતની આવશ્‍યકતા છે. અત્‍યાર સુધી કોંગ્રેસના ૭ ધારાસભ્‍યો ભાજપનો ખેસ ધારણ કરી ચૂકયા છે. આવી પરિસ્‍થિતીમાં વડોદરા જિલ્લાના કોંગ્રેસના બે ધારાસભ્‍યો પર ભાજપની મિટ મંડાઇ છે. તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્‍યોને મનાવવાની કોષિશ કરવામાં આવી હતી. પરંતુ તેઓ ટસના મસ ન થતા જે તે સમયે રાજકિય પરિવર્તન શકય બન્‍યું ન હતું.

અલબત્ત, હવે જિલ્લાના મતદારોમાં એવી વાત વહેતી થઇ છે કે રાજયસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા જે તે વિધાનસભા મત વિસ્‍તારને કોંગ્રેસ મુકત બનાવવા સાથે ભાજપને રાજયસભાની ચૂંટણીમાં ફાયદો થાય એવું ગણિત ગણાઇ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્‍યોને પૈસા અને પ્રધાનપદુ કે કોઇ નિગમના ચેરમેન બનાવી દેવાની લાલચ આપવામાં આવે તો નવાઇ નહિં. જો કે સત્‍ય તો રાજયસભાની ચૂંટણીના કાઉન્‍ટ-ડાઉન સાથે બહાર આવશે. એ પૂર્વે જિલ્લાના રાજકારણમાં રોજ-બરોજ અવનવી વાતોને પાંખો ફુટતી રહે છે. જેને કારણે હાલ પુરતો જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

(10:50 am IST)