Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મિત્તલ-નસરીનના કુટુમ્બની માંગ બાદ અંતે ફરિયાદ થઈ

લાશોના અદલાબદલી બાદ મૃતદેહનો સ્વીકાર : નસરીનના ટેકામાં કોંગ્રેસના બે ધારાસભ્યો આવ્યા પરંતુ મિત્તલના પરિવારની પડખે કોંગ્રેસ કે ભાજપનો કોઈ નહીં

અમદાવાદ,તા. ૧૧ : વીએસ હોસ્પિટલની બેદરકારીથી દાણીલીમડાની નસરીનનો મૃતદેહ બાવળાની યુવતીના પરિવારને સોંપી દેવાતા ગઇકાલે વી.એસ.હોસ્પિટલમાં  ભારે હોબાળો થયો હતો. બાવળામાં રહેતા પરિવારે દાણીલીમડાની યુવતી નસરીનબાનુ સૈયદનો મૃતદેહ પુત્રી મિત્તલ જાદવનો હોવાનું માની તેની સમાજના રિવાજ મુજબ દફનવિધિ કરી હતી. જો કે, બાદમાં નસરીનના પરિજનોએ હોસ્પિટલમાં મિત્તલનો મૃતદેહ તેમને સોંપાયો ત્યારે તેમણે આ તેમની નસરીનનો નહી પરંતુ બીજી કોઇ યુવતીનો મૃતદેહ હોવાનું જણાવતાં સમગ્ર કાંડનો પર્દાફાશ થયા હતા. ભારે વિવાદ અને પરિજનોના હોબાળા બાદ નસરીનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે, આજે બંને પક્ષના પરિજનો વી.એસ.હોસ્પિટલમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને એક તબક્કે જયાં સુધી આ કેસમાં એફઆઇઆર દાખલ નહી થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. વિવાદ વકરતાં મોડી સાંજે એલિસબ્રીજ પોલીસે બંને પરિજનોની અરજી લઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જેને પગલે બંને પરિવારો તરફથી લાશોનો સ્વીકાર કરાયો હતો. સમગ્ર વિવાદમાં એક નોંધનીય વાત એ પણ સામે આવી હતી કે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન નસરીનના સમર્થનમાં કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા તેમજ સ્થાનિક આગેવાન અને કોર્પોરેટર બદરુદ્દીન શેખ ન્યાય અપાવવા માટે સતત ખડેપગે રહ્યા હતાં. મીડિયા સમક્ષ પબ્લીસીટી સ્ટંટની જેમ બૂમરાણ મચાવતાં આગળ પડતા રહ્યા હતા પરંતુ  બાવળાની દલિત યુવતી મિત્તલના પરિવારની પડખે રહેવા માટે એકપણ ધારાસભ્ય કે આગેવાન ફરક્યો નહોતો. એક સમાજની એકતા અને જૂથવાદને લઇ હવે ગંભીર સવાલો ઉઠયા હતા અને તેને લઇને નવી ચર્ચા શરૂ થઇ હતી. કારણ કે, બીજા પરિવારની ન્યાયમાં ઉપેક્ષા કેમ કરાઇ રહી છે તેવી ચર્ચા વહેતી થઇ હતી. ગઇકાલે અમદાવાદની વાડીલાલ સારાભાઈ (વીએસ) હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ(શબ ઘર)માં મૃતદેહોની અદલા બદલી થઈ જવાનો કિસ્સો સામે આવતાં જોરદાર વિવાદ અને હંગામો સર્જાયો હતો. બે દિવસ અગાઉ બાવળામાં ભરબજારે જેની હત્યા થઈ હતી તે મિતલ જાદવના મૃતદેહને બદલે હોસ્પિટલના સ્ટાફે નસરીનબાનૂ નામની એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધો હતો. મિતલના પરિવારે નસરીનબાનૂના પેક કરાયેલા મૃતદેહને ધોલેરા પાસે તેમના પૈતૃક ગામે લઈ જઈ દફનાવી પણ દીધો હતો. શુક્રવારે નસરીનના પરિવારજનો તેના મૃતદેહને કર્ણાટક મોકલવાની વ્યવસ્થા થઈ જતાં વીએસ હોસ્પિટલમાં તેને લેવા પહોંચ્યા ત્યારે નસરીનનો મૃતદેહ ગાયબ હતો. નસરીનના પરિવારજનો અને સગાઓએ વીએસ હોસ્પિટલ આખી જાણે માથે લીધી હતી અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. આખરે મોડી સાંજે દફનવિધિ થઇ ગયેલી નસરીનનો મૃતદેહ બહાર કાઢી, મિત્તલનો અસલ મૃતદેહ તેના પરિજનોને સોંપી વીએસ હોસ્પિટલ સત્તાવાળાઓએ વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિપક્ષ કોંગ્રેસના સભ્યો અને અન્ય આગેવાનોએ આ મામલામાં કસૂરવારો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરતાં મામલો ગરમાયો હતો. મૃતક યુવતીના પરિજનો દ્વારા પણ જયાં સુધી આ કેસમાં એફઆઇઆર દાખલ ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી દેવાયો હતો. દલિત અધિકારો માટે લડતા અને જમીનથી દારૂ મામલે રેડ કરવા પહોંચી જતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ મિત્તલના પરિવારને પડખે રહેવા માટે ફરક્યા નહોતા. આ સિવાય વી.એસ. હોસ્પિટલથી માત્ર ૫૦૦ મીટર દૂર આવેલા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે એસી ચેમ્બરમાં બેસી નિવેદનો કરતા કોંગ્રેસી નેતા પણ જોવા મળ્યા નહોતા. કોંગ્રેસની સાથે સાથે ભાજપનો એક પણ નેતા મિત્તલના પરિવારને સધિયારો આપવા આવ્યો નહોતો. આ તમામ નેતાઓ હજુ તા.૨૩ એપ્રિલે યોજાયેલા લોકસભાના મતદાન પહેલા ગલીએ ગલીએ ફરીને જનતાને હાથ જોડતા અને પગ પકડતા જોવા મળ્યા હતા.

રાજ્ય સરકારે મિત્તલના પરિવારને ૮.૨૫ લાખની સહાય જાહેર કરી છે, પરંતુ એકપણ રાજકીય પક્ષના આગેવાન ફરક્યા તો નહિં પણ મિત્તલ પ્રત્યે સંવેદના પ્રગટ કરવાનો વિવેક પણ ચૂકી ગયા છે મિત્તલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યું હોવાછતાં ફરીવાર મિત્તલના પોસ્ટમોર્ટમ સામે સવાલો ઉભા થયા છે. જો કે નસરીનને દફનાવી દેવામાં આવી હોવાથી તેનું પીએમ કરવું જરૂરી બને છે. પરંતુ મિત્તલનો મૃતદેહ તો શબઘરમાં જ પડેલો રહ્યો હોવાછતાં તેનું શા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું? તેને લઇને હવે ગંભીર સવાલો અને વિવાદ ઉઠયા છે.

(8:22 pm IST)