Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સોમનાથમાં મંદિરનો ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠાદિનની ઉજવણી

સોમનાથ મહાદેવની મહાપૂજા-ધ્વજારોહણ કરાયુ : સોમનાથ મહાદેવનો ભવ્ય અભિષેક, પુષ્પાંજલિ, શૃંગાર, પાઠાત્મક મહારૃદ્ર સહિતના જુદા જુદા કાર્યક્રમો યોજાયા

અમદાવાદતા. ૧૧ : વિશ્વ પ્રસિદ્ધ અને પ્રથમ જયોર્તિર્લિંગ એવા સોમનાથ મહાદેવમાં આજે ૬૯મા પ્રાણ પ્રતિષ્ઠા દિનની ભારે ભવ્યતા અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો શ્રધ્ધાળુઓ સોમનાથ મહાદેવના આ વિશેષ દિનની મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં અને સોમનાથ દાદાના દર્શનાર્થે ઉમટી પડયા હતા. વૈશાખ સુદ પાંચમ અને તા.૧૧મે,૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે ૬૯મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઉજવવામાં આવ્યો હતો. આ માટે મંદિર ટ્રસ્ટ અને પૂજારીઓ, સંતો-મહંતો દ્વારા પણ વિશેષ આયોજન અને તૈેયારીઓ કરવામાં આવ્યા હતા. આજે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પાટોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં મહાદેવની મહાપૂજા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે ૯-૪૬ મિનિટે પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ૧૧ બ્રાહ્મણો દ્વારા ૧૧ દ્રવ્યોથી સોમનાથ મહાદેવની મહાપૂજા, ૧૦-૩૦ કલાકે સરદાર વંદના, પુષ્પાંજલી, શૃંગાર, તથા પાઠાત્મક મહારુદ્ર, અને ધ્વજારોહણ સહિતના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો, સાંજે ૪થી ૭ કલાકે મંદિરમાં વિશેષ રુદ્રાક્ષ શૃંગાર, સમૂહ મહાઆરતી તેમજ દીપ શૃંગારના કાર્યક્રમો યોજાયા હતા. જયારે સાંજે ૭:૩૦ કલાકે શાસ્ત્રીય નૃત્ય કલાકારો દ્વારા સત્યમ શિવમ સુંદરમ નૃત્ય કરી મહાદેવની આરાધના કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના ૬૯મા પ્રાણ પ્રતિષ્ઠા દિનની આજની ભવ્ય ઉજવણી અને તેના અનુસંધાનમાં વિશેષ કાર્યક્રમોને લઇ હજારો શ્રદ્ધાળુઓ આજે સોમનાથ ખાતે ઉમટયા હતા અને સોમનાથ મહાદેવના ભવ્ય અભિષેક, મહાઆરતી અને ધ્વજારોહણના પ્રસંગોમાં હાજર રહી સોમનાથ દાદાના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો.

(7:15 pm IST)