Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

વડોદરામાં કોરોના ઓરેન્જ ઝોન જાહેર થયેલ પાણીગેટ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

ઝહુ શા ટેકરામાં પતરા લગાવતી વખતે સ્થાનિકોએ પોલીસ સાથે તકરાર કરી

 

વડોદરામાં કોરોના પોઝિટિવ કેસને લઈ ઓરેન્જ ઝોન જાહેર કરેલ પાણીગેટ વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

વડોદરામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ વિસ્તારોને ઓરેન્ઝ ઝોન, રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી વડોદરાના પાણીગેટ વિસ્તારને પણ ઓરેન્જ ઝોન જાહેર કરાયો છે. ઓરેન્જ ઝોન જાહેર કરવાને કારણે સમગ્ર વિસ્તારને સીલબંધ કરવાની કામગીરી ચાલી રહી હતી. તેવામાં પાણીગેટના ઝહુ શા ટેકરામાં પતરા લગાવતી વખતે સ્થાનિકોએ પોલીસ સાથે તકરાર કરી હતી. અને પોલીસ પર પથ્થરમારો કરીને અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા.

પથ્થરમારાની ઘટનાને કારણે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને તાત્કાલિક પેટ્રોલિંગ સહિતની કામગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. એકબાજુ કોરોનાને અટકાવવા માટે તંત્ર અને પોલીસ દ્વારા દિવસ રાત એક કરી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યાં લોકોની સુરક્ષા માટે તમામ કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં અમુક લોકો દ્વારા સતત અવરોધો ઉભા કરવામાં આવી રહ્યા છે. લોકો હજુ પણ કોરોના વાયરસની ગંભીરતાને સમજી રહ્યા નથી.

(12:06 am IST)