Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાત પેટા ચૂંટણી : કોંગ્રેસનો હાર્દિક પરનો દાવ ફેલ : રૂપાણી-પાટીલની જોડીએ રંગ રાખ્યો

રાજકોટ,તા. ૧૦: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેમાં ભાજપ આઠેય આઠ બેઠકો પર બાજી મારી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પાટીનેતા હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનવી રમેલો દાવ ખોટો પડ્યો. તેની સામે ભાજપના બે મુરબ્બી સીએમ રુપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના દાવા સાચા પડી રહ્યા છે. હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસને એવી આશા હતી કે પાટીદારોના ગઢમાં હાર્દિકને કારણે કોંગ્રેસની પક્કડ મજબૂત થશે. પરંતુ પેટા ચૂંટણીના શરૂઆતના જ તારણમાં તેના કબજા હેઠળની તમામ ૮ બેઠક પર તે પરાજય તરફ ધકેલાઇ રહી છે. એટલે હાર્દિક પટેલની નિષ્ફળતા દેખાઇ રહી છે.

કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને ચૂંટણી પ્રચાર માટે અલગથી પ્રાઇવેટ જેટ ચાર્ટર પ્લેન પણ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં પેટા ચૂંટણીમાં હાર્દિકનો કોઇ જ જાદુ ના ચાલતા ઘ્પ્ રૂપાણી અને સી.આર પાટીલની જોડીએ પેટા ચૂંટણીમાં ભાજપની જીતનો રસ્તો આસાન કરી નાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિકને નીમ્યા બાદ હાર્દિકે કોંગ્રેસના પ્રચાર-પ્રસારમાં કોઇ જ કસર નહોતી છોડી. પેટાચૂંટણી પહેલાં હાર્દિકે મોરબીના જેતપર ગામ ખાતે કોંગ્રેસના સમર્થનમાં જંગી સભા પણ યોજી હતી. આ રેલીમાં હાર્દિક પટેલે ભાજપ પર ધારદાર પ્રહાર પણ કર્યાં હતાં. સાથે હાર્દિકે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને પણ જવાબ આપ્યો હતો. મોરબી ખાતે ચૂંટણી પ્રચાર કરતી વખતે સ્મૃતિ ઇરાનીએ હાર્દિક પટેલને કોંગ્રેસનો નોકરિયાત ગણાવ્યાં હતાં. ત્યારે હાર્દિકે સભામાં સ્મૃતિ ઇરાનીને જવાબ આપતા ભાજપ દ્વારા ફકત વાયદાઓ જ કર્યા હોવાના આક્ષેપો કરી સ્મૃતિ ઈરાનીની સભાને વરરાજા વગરની જાન ગણાવી હતી

હાર્દિક પટેલે મોરબી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રવાસ કર્યો હતો અને ખેડૂતો તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જાણ્યા હતાં. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ગામમાં કોંગ્રેસને જોરદાર સમર્થન મળ્યું હતું. ગામ ખાતે હાર્દિક પટેલને સાંભળવા બે હજારથી વધુ જનમેદની ઉમટી પડી હતી. પરંતુ તેમ છતાં હાર્દિકનો કોઇ જાદુ ન ચાલતા પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર ભાજપ જીતી જશે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની આઠેય બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતને નજીક પહોંચી ચૂકયાં છે. જેથી કોંગ્રેસની હાર દેખાઇ રહી છે. અગાઉ કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસે રાજીનામું આપીને ભાજપમાં ગયેલા નેતાઓ વિરૂદ્ઘ અભિયાન પણ ચલાવ્યું હતું પરંતુ તે અભિયાન પણ નિષ્ફળ સાબિત થતું નજરે દેખાઇ રહ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ ૨૫ મથકો પર મત ગણતરી હાથ ધરાઇ રહી છે. ત્યારે તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ સહિત ૮૧ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજ બપોર સુધીમાં ફેંસલો થઇ જશે.

(3:31 pm IST)