Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ફેકટરીઓમાં કામ કરતા શ્રમિકોને નશો કરવા કફ સિરપ અપાય છે!

અમદાવાદ ગ્રામીણ પોલીસ દ્વારા કફ અને પેઈનકિલર તરીકે સિરપના ફોર્મમાં લેવાતી કોડેઈન દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે

અમદાવાદ, તા.૧૦: ડ્રાય ગુજરાતમાં દારૂબંધી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જોકે કેટલીક ઈન્ડસ્ટ્રીલ કંપનીઓ તથા ફેકટરીઓ દ્વારા પોતાના ત્યાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને નશીલો પદાર્થ પૂરો પાડવા માટે નવો કીમિયો અપવાની રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ ગ્રામીણ પોલીસ દ્વારા કફ અને પેઈનકિલર તરીકે સિરપના ફોર્મમાં લેવાતી કોડેઈન દવાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સિરપને ફેકટરીઓમાં કામ કરતા શ્રમિકોને આપવામાં આવતી હતી.

છેલ્લા બે મહિનામાં અમદાવાદ જિલ્લા પોલીસે કોડેઈન સિરપના બે મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા છે. ૫મી સપ્ટેમ્બર બાવળામાંથી રૂપિયા ૬ લાખની કિંમતની ૫ હજાર કોડેઈન સિરપની બોટલ મળી આવી હતી. રવિવારે પણ રૂપિયા ૩૧,૦૦૦ની કિંમતની ૨૮૭ બોટલ સાણંદ GIDCના ખોડા ગામમાંથી મળી આવી હતી. નોંધવામાં આવેલી FIR મુજબ, કોડેઈન શિડ્યુલ G ડ્રગ છે જે માત્ર પ્રિસ્ક્રિપ્શન પર જ આપી શકાય છે. અમદાવાદ જિલ્લા પોલીસે સાણંદ, બાવળા, ચાંગોદર અને માંડલના ઈન્ડસ્ટ્રીઅલ બેલ્ટમાં ગેરકાયદે વેચાતી કોડેઈન સિરપની તપાસ શરૂ કરી છે.

આ ઈન્ડસ્ટ્રીઅલ બેલ્ટમાં દિવસ દરમિયાન લાંબી મજૂરી કરીને થાકેલા મજૂરો દ્વારા કોડેઈન કફ સિરપનો દારૂની વિકલ્પ તરીકે વ્યાપકપણે ઉપયોગ થતો હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દારૂની એક બોટલ ૧૦૦૦ રૂપિયામાં આવે છે જયારે કોડેઈન કફ સિરપની બોટલ ૧૦૦-૧૫૦ રૂપિયામાં આવે છે. અમે કેટલાક શ્રમિકોને દારૂના વિકલ્પ તરીકે કોડેઈન સિરપ લેતા જોયા છે. કેટલાકને તો તેની ટેવ પણ પડી જાય છે.

સીનિયર અધિકારીએ જણાવ્યું કે, કોન્ટ્રાકટર્સ અને કેટલાક કેસોમાં ફેકટરી માલિકો યુપી, ઓડિશા અને મધ્ય પ્રદેશના શ્રમિકો માટે આ સિરપો સ્ટોક રાખતા હોય છે. અધિકારીએ કહ્યું કે, કોડેઈન સિરપ મુખ્ય રીતે દેશના ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરિંગ હબ ગણાતા હિમાચલ પ્રદેશ અને ઉત્ત્।રાખંડમાંથી આવતી હોય છે. ગુજરાતમાં દારૂની હેરફેર કરવી મુશ્કેલ છે જયારે કોડેઈનને મેડિકલ સપ્લાય તરીકે સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. પોલીસે ગેરકાયદે કોડેઈનના સેવન કરવા મામલે જુદા જુદા ઈન્ડસ્ટ્રીયલ હાઉસો સામે તપાસ શરૂ કરી દીધી છે.

(2:51 pm IST)