Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સિર્ફ કચ્છ નહીં, કેવડિયા ભી નહીં દેખા તો કુછ નહીં દેખા

ગુજરાત ટૂરિઝમની ઇચ્છા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ત્યાં ઊભા થયેલા નવા અટ્રેકશન માટે મહાનાયક એડ-ફિલ્મ કરી ખુશ્બૂ ગુજરાત કી સિરીઝને આગળ વધારે

મુંબઇ, તા.૧૦: નર્મદા જિલ્લાના કેવડિયાના પ્રમોશન માટે અમિતાભ બચ્ચન નવી એડ-ફિલ્મ કરે એ માટે બિગ બીનો કોન્ટેકટ કરવામાં આવ્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એની આસપાસ તૈયાર કરવામાં આવેલાં તમામ નવાં અટ્રેકશનને લીધે ટૂરિસ્ટ માટે એક નવું ગ્લેમર ઊભું થયું છે. જોકે એ ગ્લેમર હજી દુનિયાભરના પ્રવાસીઓ સુધી પહોંચ્યું નથી એટલે જ ગુજરાત સરકારની ઇચ્છા છે કે 'ખુશ્બૂ ગુજરાત કી'નું કેમ્પેન ફરી એક વાર આગળ વધે અને એ કેમ્પેનમાં આ વખતે માત્ર કેવડિયાનો સમાવેશ કરવામાં આવે.

આ અગાઉ 'ખુશ્બૂ ગુજરાત કી' કેમ્પેન અંતર્ગત કચ્છ, ગીર, બૌદ્ઘ ગુફાઓ, અંબાજી, ગુજરાતી હેન્ડિક્રાફ્ટ, સાપુતારા, ગુજરાતના ગર્વશિષ્ઠ સ્થાપત્ય સમાન મોઢેરાનાં સૂર્યમંદિર, અમદાવાદ માટે એડ-ફિલ્મ્સ કરી અને એ પછી એ કેમ્પેન અટકી ગયું. જોકે કેવડિયા જે રીતે નવાં રંગરૂપ સાથે તૈયાર થઈ ગયું છે એને જોતાં હવે ગુજરાત ફરી એક વખત 'ખુશ્બૂ ગુજરાત કી' કેમ્પેન શરૂ કરીને કેવડિયાને દુનિયાની નજર સમક્ષ મૂકવા માગે છે. આને માટે ઓલરેડી મહાનાયકની ડેટ્સ પણ માગવામાં આવી છે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બિગ બી ગુજરાત આવીને કહેશે, 'સિર્ફ કચ્છ નહીં, કેવડિયા ભી નહીં દેખા તો કુછ નહીં દેખા.'

(10:29 am IST)