Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

આ વર્ષે 24મી નવેમ્બરે વડનગરમાં એક દિવસીય યોજાશે તાના-રીરી મહોત્સવ

મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ઉપસ્થિત રહેશે

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે તાના-રીરી મહોત્સવ યોજાય છે. પરંતુ આ વર્ષે તાના-રીરી સમાધિ ખાતે કારતક સુદ દશમને ૨૪ નવેમ્બરે એક દિવસીય મહોત્સવ યોજાશે. આ મહોત્સવ ગરીમાપુર્ણ યોજાય તે માટે કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

કલેકટર એચ.કે.પટેલે જણાવ્યું હતું કે, આ માસમાં યોજાનાર તાના-રીરી મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો ઉપસ્થિત રહેશે. મહોત્સવમાં સરકાર દ્વારા બહાર પાડેલ કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન અને સ્વચ્છતા રાખ‌ા પર તેમણે ભાર મૂક્યો હતો. ઉપરાંત લાઇટ ડેકોરેશન, મંડપની વ્યવસ્થા, પ્રચાર-પ્રસારની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા સહિતની વિવિધ આનુસંગિક વ્યવસ્થાઓ માટે માઇક્રોપ્લાનિંગ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યાં હતાં.

સંગીત નાટક અકાદમી દ્વારા દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તાના-રીરી મહોત્સવ ૨૦૨૦માં રાષ્ટ્રીય સ્તરના શાસ્ત્રીય સંગીતના કલાકારો ઉપસ્થિત રહેશે. એક દિવસીય શાસ્ત્રીય મહોત્સવમાં વિવિધ કલાકારો અને કલા સંસ્થાઓ ઉપરાંત નાગર બ્રાહ્મણો પણ વિશેષ રીતે ઉપસ્થિત રહેશે.

૨૪ નવેમ્બરે યોજાનારા મહોત્સવમાં કલાકારોનું સન્માન, તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ, લાઇટીંગ-મંડપ અને ડેકોરેશન સહિતની તમામ વ્યવસ્થાઓ વિશે ખાસ સમીક્ષા કરાઇ હતી. આ દિવસે મહાનુભાવો દ્વારા સંગીત કોલેજની શરૂઆત કરવામાં આવશે. જે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ડીડીઓ એમ.વાય.દક્ષિણી, સંગીત નાટક અકાદમીના પંકજભાઇ, વડનગર વિકાસ સમિતિના સોમાભાઇ મોદી, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સુનિલદત્ત મહેતા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

(9:10 am IST)