Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

120 કરોડના ખર્ચે નિર્મિત દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

શક્તિપીઠ અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રીએ માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી

અમદાવાદ :  વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૧૨૦ કરોડની માતબર રકમથી પૂર્ણ કરવામાં આવ્યું છે. અંબાજીને જોડતા આ ચારમાર્ગીય રસ્તો ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ વ્યું પોઇન્ટનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિપીઠ અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનબહી પટેલે મિડીયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુંઓ અંબાજી આવી માં-અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદથી અંબાજી, ડીસા-પાલનપુરથી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકાસવવું એ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ધાર્મિક સ્થળ યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર-નવાર અકસ્માતો થતાં હતાં. આ રસ્તાને ચારમાર્ગીય બનાવવાથી અકસ્માતોને નિવારી શકાશે અને યાત્રાળુંઓની સુરક્ષામાં વધારો થશે. ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધા બનાવાઇ છે. આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે.

(8:52 pm IST)