Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મંત્રીના વિસ્તારથી કપાયેલી ગાયો મળતાં વાતાવરણ તંગ

માલધારી સહિત હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયોઃ સરકાર દ્વારા કાર્યવાહી નહી થાય તો માલધારી સમાજની ગૌમાતાની રક્ષા, ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી

અમદાવાદ,તા. ૧૦, શહેરમાં આવેલા વટવા વિસ્તારમાં સદ્દભાવના પોલીસ ચોકી પાસેના ખાલી ગરીબ આવાસ યોજનાના મકાનોમાં ચારથી વધુ કપાયેલી ગાયોના અવશેષો મળી આવતાં સમગ્ર શહેરમાં જબરદસ્ત સનસનાટી ફેલાઇ ગઇ છે, તો ખુદ ગૃહરાજયમંત્રીના વિસ્તારોમાંથી કપાયેલી ગાયોના અવશેષો મળતાં સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું છે. આ ઘટનાને પગલે સમગ્ર હિન્દુ સમાજમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. આ સમગ્ર ઘટના અંગે માલધારી સમાજના લોકો તરફથી સ્થાનીકિ પોલીસને જાણ કરવામાં આવતાં વટવા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું અને સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વટવા વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલા ગાયોની ચોરી થઈ હતી, આ જ ગાયો કપાયેલી હાલતમાં મળી આવતા માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે માલધારી સમાજ સહિત સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. માલધારી સમાજ સહિત સમગ્ર હિન્દુ સમાજની લાગણી બહુ ગંભીર રીતે દુભાતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. દરમ્યાન માલધારી સમાજના પ્રમુખ નાગજીભાઇ દેસાઇએ કપાયેલી ગાયોના અવશેષો મળવાની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર, આઘાતજનક અને કમનસીબ ઘટના છે કારણ કે, વટવા વિસ્તાર ખુદ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મત વિસ્તાર છે. જો ગૃહમંત્રીના મત વિસ્તારમાં જ ગાયો સલામત ના હોય તો બીજા વિસ્તારોની તો વાત જ શું કરવી. કપાયેલી ગાયો મળવાની ઘટનાને લઇ માત્ર માલધારી સમાજ જ નહી પરંતુ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે અને શહેર સહિત રાજયભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજય સરકારે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ આ ગુનામાં સંડોવાયેલા તત્વોને તાત્કાલિક પકડીને સખત નશ્યત કરવી જોઇએ. ભાજપ સરકાર ગાયોને માતા ગણાવી તેના રક્ષણની વાતો કરે છે પરંતુ તેના પાલન માટે કોઇ નક્કર કે પરિણામલક્ષી પ્રયાસો કરતી નથી, તેનું પરિણામ આ ઘટના પરથી જોઇ શકાય છે. સરકાર આ ઘટનાને સહેજપણ હળવાશથી લેવાની ભૂલ ના કરે અને સમગ્ર મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ કરાવડાવે. જો સરકાર દ્વારા આ ઘટના અંગે તાત્કાલિક નિર્ણય નહી લેવાય તો આગામી દિવસોમાં માલધારી સમાજ ગૌમાતાની રક્ષા અને ન્યાયની માંગણી માટે રસ્તાઓ પર ઉતરી આવશે અને શહેર સહિત રાજભરમાં ગૌ રક્ષા આંદોલન છેડશે.

(10:22 pm IST)