Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ધોરણ ૧૨ સાયન્સનું રિઝલ્ટ ઘટવા પાછળ સરકાર દોષિત

કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીના સરકાર પર પ્રહારો : શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને દિશા વિહિન શિક્ષણ વિભાગની અસર પરિણામ ઉપર જોવા મળી રહી છે : મનિષ દોશી

અમદાવાદ,તા. ૧૦ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર થયેલા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પરિણામમાં આંચકારૂપ માહિતી સામે આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું પરિણામ આ વર્ષે આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯ ટકા જેટલું પરિણામ ઘટ્યું છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા ડો.મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઘટવા પાછળ રાજ્યમાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષકોની ઘટ, દિશાવિહિન વિભાગ અને રાજ્યમાં ફાટી નિકળેલા કોચિંગ ક્લાસ મુખ્યત્વે જવાબદાર છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આવેલા ઘટાડા અંગે સરકારને નિશાન બનાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવવા પાછળ શિક્ષણ વિભાગની ઉદાસીનતા કારણભૂત છે. શિક્ષણમાં ભ્રષ્ટાચાર અને દિશા વિહિન શિક્ષણવિભાગની અસર પરિણામ પર જોવા મળી છે. સરકારની નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને લઇ વિદ્યાર્થી અને વાલીઓ ભોગ બન્યા છે. એકબાજુ, રાજ્યમાં વિજ્ઞાન-ગણિતના શિક્ષકોની અછત છે. બીજી બાજુ ગુજરાતમાં ગેરકાયદે કોચિંગક્લાસનો રાફડો ફાટતા પરિણામ પર અસર પડી છે. વળી અધૂરામાં પુરું સેમેસ્ટર સિસ્ટમના પ્રયોગથી વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થાય છે. શિક્ષણના સંવેદનશીલ અને મહત્વના મુદ્દાને લઇ ભાજપ સરકાર પાસે કોઇ સ્પષ્ટ વિઝન અને નીતિ જ નથી અને તેથી રાજયના નિર્દોષ વિદ્યાર્થીઓ તેનો ભોગ બની રહ્યાછે. આજનું ધો-૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ ઘટવા પાછળ સરકારે તેની નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાતની પ્રજા સમક્ષ તેનો નિખાલસ એકરાર કરવો જોઇએ.

(8:21 pm IST)