Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દારૂના કેસોમાં બુટલેગરોને છાવરતી સરકાર અને પોલીસ સામે હાઇકોર્ટની લાલ આંખઃ દારૂના તમામ કેસોની વિગતો રજૂ કરવા આદેશ

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પુષ્‍કળ પ્રમાણમાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે ત્‍યારે હાઇકોર્ટે દારૂના કેસોમાં બુટલેગરોને છાવરતી સરકાર અને પોલીસ સામે લાલ આંખ કરી છે અને દારૂના તમામ કેસોની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે.

હાઇકોર્ટે રાજય સરકારને રાજયભરના પોલિસ સ્ટેશનમાંથી દારૂના તમામ કેસોની વિગતો જીલ્લા વાર રજૂ કરવા આદેશ કર્યો છે. તા. ૧-૫-૧૭ થી ૧-૫-૧૮ સુધીમાં દરેક પોલિસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર, કેસ નંબર, ગુનો નોંધ્યા તારીખ, આરોપી ભાગી ગયો તેનું નામ, પોલિસે રેડ પાડી તે સ્થળ, દારૂ કયા વાહનમાંથી પકડાયો તેનો વાહન નંબર, વગેરે તમામ ઝીણવટભરી વિગતો રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે.કોર્ટે ૩૦મી જૂન સુધીમાં સરકારને તમામ વિગતો કોર્ટમાં રજૂ કરવા કડક આદેશો કર્યા છે.

હાઇકોર્ટે તેના ચુકાદામાં સરકારને આડે હાથ લેતા એવું અવલોકન કર્યુ હતુ કે દારૂના કેસમાં ઘણા લાંબા સમયથી ડીઝાઇનર એઇઆઇઆર કરવામા આવી રહી છે અને તેની સામે સરકારના આંખ આડા કાન કરવાથી હવે દરેક પોલિસ સ્ટેશનમાં હવે આવી ફરિયાદનો રિવાજ થઇ ગયો છે. પોલિસ બુટલેગરો ના સ્થાને રેડ પાડે તે પહેલા તમામ બુટલેગરો ભાગી જ જાય ? આ રીતે લોકોને મુરખ બનાવતી પોલિસ તદ્દન નિષ્ફળ સાબિત થઇ છે પરતું હવે આવા રિવાજો બનેલી સિસ્ટમને મોનિટરીંગ કરવાનો સમય પાકી ગયો છે. તાત્કાલિક નિષ્કિય પોલિસ સામે પણ પગલા લેવાનો સમય પાકી ગયો છે. પ્રોહીબીશનના કેસ સામે શો પીશ બની ગયેલી પોલિસ પાસેથી તમામ વિગતો રજૂ કરવા હાઇકોર્ટે સરકારને કડક આદેશ કર્યા છે.થોડા દિવસો અગાઉ હાઇકોર્ટે પ્રોહીબીશનના કેસમાં પકડાયેલા આરોપીના જામીન અરજી વખતે કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા જેમા સરકાર અને પોલિસની નિષ્ક્રિયતાને લીધે બુટલેગરોને છુટો દોર મળી રહ્યો છે .

દરેક એફઆઇઆરમાં દારૂના સ્થળે જતા પહેલા આરોપી ભાગી જ જાય છે? તેમને પકડવા પોલિસ પાસે કોઇ મીકેનીઝમ નથી? સરકાર શા માટે કોઇ ઔપગલા લેતી નથી? તેવા અનેક સવાલો કર્યા હતા.

(5:48 pm IST)