Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કલોલ: નાંદોલીમાં 32 લાખની કારની ચોરી થતા અરેરાટી

કલોલ:નાંદોલીમાં આવેલા કલ્હાર બંગ્લોઝમાંથી મોંઘીદાટ ફોર્ચ્યુનર કારની ઉઠાંતરી થઇ જતા ચકચાર મચી ગઇ છે. ત્યારે કલોલના સરદાર બાગ પાસેથી પણ કારની ઉઠાંતરી થઇ ગઇ હતી. નાંદોલીમાં આવેલા કલ્હાર બંગ્લોઝમાં રહેતા પરાગભાઇ પ્રમોદચંદ્ર કસ્ટીયાની ૩૨ લાખની કિંમતની કારની ઉઠાંતરી થઇ જતા ચકચાર મચી ગઇ છે. કાર બંગલાની આગળ પાર્ક કરી હતી. જેની વાહનચોરો ઉઠાંતરી કરી ગયા હતા. આ ઘટના અંગે સાંતેજ પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. જ્યારે વાહનચોરીનો બીજો બનાવ કલોલમાં બન્યો હતો. જેમાં શેરથામાં રહેતા જનક જગદીશભાઇ પટેલ પોતાની અલ્ટોકાર સરદારબાગના મુખ્ય દરવાજા આગળ પાર્ક કરી હતી. જેની ફક્ત અડધો કલાકમાં જ ઉઠાંતરી થઇ ગઇ હતી. કાર માલિકની ફરિયાદને આધારે શહેર પોલીસે વધુ તપાસ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે, નાંદોલીમાંથી કાર નં.જી.જે.૧૮.બી.જી.૭૭૧૪ અને કલોલમાંથી અલ્ટો કાર નં. જી.જે.૧૮.એ.બી. ૧૯૧૨ ની ઉઠાંતરી થઇ ગઇ હોવાથી કાર માલિકોમાં રીતસરનો ફફડાટ વ્યાપ્યો છે. ઘર આગળ પાર્ક કરેલા વાહનો પણ હવે સુરક્ષિત નહી હોવાથી પોલીસ પેટ્રોલીંગ સામે પણ પ્રશ્નાર્થો સર્જાયાં છે.

(5:38 pm IST)