Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧૩૦૦ કરોડના બીટકોઇન્સ કૌભાંડના રહસ્ય પરથી પડદો ઉંચકવા સીઆઇડીએ અંતે કેન્દ્રીય જાસુસી સંસ્થાની મદદ લીધી

સીઆઇડીને ફેકસ કરનારા બે શકમંદ યુવાનોની શોધખોળ કરી, નલીન કોટડીયાનું પગેરૂ દબાવાઇ રહયું છે

રાજકોટ, તા., ૧૦: કરોડોના બીટકોઇન્સ કૌભાંડના ગુજરાતભરમાં ચકચારી બનેલા પ્રકરણમાં સીઆઇડી તપાસમાં દિવસેને દિવસે નિતનવા ફણગા ફુટવા સાથે સીઆઇડીની માફક હવે લોકોમાં પણ આ સમગ્ર પ્રકરણની કેટલીક અટપટી બાબતો જાણવા માટે ખુબ જ ઉત્કંઠા છે. લોકો એ જાણવા માંગે છે કે બીટકોઇન્સમાં કોની શું ભુમીકા છે? ખરેખર બીટકોઇન્સ કેટલી રકમના ? હવાલા કયાં પડયા છે?  ફરીયાદી વિશે વહેતા થયેલા ચોંકાવનારા અહેવાલોમાં સત્ય શું છે? પુર્વ એસપી જગદીશ પટેલના કહેવાતા વહીવટદાર પવારની શોધ સીઆઇડી જોરશોરથી કેમ કરી રહી છે? આ તમામ પ્રશ્નો 'હોટ ટોપીક' છે.

દરમિયાન સીઆઇડીએ બબ્બે સમન્સ પાઠવવા છતાં સીઆઇડીએ હાજર ન થયેલા પુર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ અત્યાર સુધી પોતે ધારીમાં પોતાના નિવાસસ્થાને હોવાનું રટણ કર્યા બાદ અચાનક હવે પોતે ગુજરાત બહાર હોવાનુ અને ગુજરાત આવવા માટે ટ્રેનો અને બસો ફુલ હોવાથી પોતે ગુજરાત પહોંચી શકતા નથી તેવું કારણ દર્શાવતા જે બે ફેકસ પત્રો પાઠવ્યા છે. તેનું પગેરૂ પણ સીઆઇડીએ અમરેલીમાં શોધ્યું છે. અમરેલીના એ દુકાનદારે ફેકસ કરવા માટે બે યુવાનો આવ્યાનું જણાવતા ચોક્કસ વર્ણન મેળવી એ યુવાનોને પકડી સીઆઇડી નલીન કોટડીયા સુધી પહોંચવા માંગે છે. તાજેતરમાં અમરેલી-રાજકોટ સહિત નલીન કોટડીયાને ઝડપવા માટે જે દરોડાનો દોર શરૂ થયો તેના મૂળમાં સીઆઇડીને મળેલા પત્રો જ છે. નલીન કોટડીયાએ સીઆઇડી વડા આશીષ ભાટીયાને અલગથી પત્ર પાઠવી ભુખ હડતાલ પર ઉતરવાની ચિમકી આપી છે. નલીન કોટડીયાએ રાજયકક્ષાના ગૃહમંત્રી સામે પણ તપાસ ન કરાવવાના આક્ષેપ મુકયા છે.

સીઆઇડી દ્વારા હાલ રિમાન્ડ પર રહેલા અને મુખ્ય કાવત્રાખોર મનાતા કિરીટ પાલડીયાના વોલેટમાંથી ૭.૩ કરોડના બિટકોઇનની વિગત શોધી તેને સ્ટોપ કરાવવા કાર્યવાહી કરી હતી. કિરીટ પાલડીયાએ બિટકોઇન્સની વિગતો છુપાવવા પાસવર્ડ ચેન્જ કરવાની ચેષ્ઠા કરી હતી. જે સફળ થઇ ન હતી.

દરમિયાન અત્યાર સુધી અનેક વખત જે મુદ્દો જોરશોરથી ઉછળી રહયો છે. તેવા બિટકોઇન્સનો ખરો આંક તથા તે લગત આનુસાંગિક બાબતોનું રહસ્ય ધવલ પટેલ (માવાણી) જાણતો હોવાથી તેને સિંગાપુરથી ગુજરાત લાવવા માટે સીઆઇડીએ કેન્દ્રીય જાસુસી સંસ્થાની મદદ લીધાનું સુત્રો જણાવે છે. અત્રે યાદ રહે કે, નલીન કોટડીયાએ ધવલ પટેલનું ફરીયાદી દ્વારા આઇટી ઓફીસર બની અપહરણ કરી રિવોલ્વરની અણીએ બિટકોઇન્સ પડાવ્યાનો આરોપ મુકયો છે. સીઆઇડી તેને ગુજરાત લાવી ૧૩૦૦ કરોડના બિટકોઇન્સ મામલાનું રહસ્ય ઉકેલવા માંગે છે.

એ જાણવા જરૂરી છે કે ૧પ ફેબ્રુઆરી-ર૦૧૮ના રોજ ધવલ માવાણી ગુજરાત છોડી ભારત બહાર સિંગાપુર ચાલ્યા ગયાની ચર્ચાઓ છે. બીજી બાજુ પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયાએ પિયુષ સાવલીયા નામના એક શખ્સના નામે શૈલેષ ભટ્ટે પિયુષનું અપહરણ કર્યાનો દાવો કર્યો હતો. જો કે પિયુષ સાવલીયાએ પોતાનું અપહરણ શૈલેષ ભટ્ટે કર્યાની વાત નકારી કાઢી છે. આના પરીણામે નલીન કોટડીયાનો દાવો ખોટો સાબીત થાય  તેવા સંજોગો નિર્માણ થયા છે. સીઆઇડી પિયુષ સાવલીયાની ઉલટ તપાસ કરી કોઇ દબાણમાં આવી આવું નિવેદન કરતો નથીને?  તેવી પુરતી તપાસ પણ કરનાર હોવાનું સુત્રો જણાવે છે.

આઇટી ઓફીસર બની જેનું અપહરણ થયેલું તેવા ધવલ પટેલને સિંગાપુરથી ગુજરાત લાવવા માટે ભારે ધમધમાટ

રાજકોટઃ નોટબંધી સમયે સુરતમાં કરોડોના બીટકોઇન્સ રોકાણનો ફાયદો ઉઠાવી ધવલ પટેલ (માવાણી) નામના યુવાનનું  રિવોલ્વરની અણીએ અપહરણ થયાની ગુજરાતભરમાં ગુંજતી ચર્ચાઓનો અંત લાવવા ધવલ પટેલને સિંગાપુરથી ગુજરાત પરત લાવવા માટે સીઆઇડીએ કેન્દ્રની વિવિધ એજન્સીઓની મદદ લીધાનું સુત્રો જણાવે છે.

નલીન કોટડીયાનો ફરીયાદી પર અપહરણનો આરોપ સાચો કે ખોટો ? પિયુષ સાવલીયાની ઉલટ તપાસ થશે

રાજકોટઃ પુર્વ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ જાહેર નિવેદન દ્વારા થતા રાજયના સીઆઇડી વડા આશીષ ભાટીયાને પત્ર દ્વારા કેટલીક ચોંકાવનારી રજુઆતો સાથે તપાસ ન થયે ભુખ હડતાલની ચિમકી આપી છે. આ પ્રશ્નોમાં ફરીયાદી શૈલેષ ભટ્ટ સામે પિયુષ સાવલીયાના અપહરણનો પણ આરોપ છે. નવાઇની વાત એ છે કે પિયુષે દાવો નકાર્યો છે. હવે સીઆઇડી તેની ઉલટ તપાસ કરશે.

(12:58 pm IST)