Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

મોંઘવારી વધી છતાં પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં વધારો કરાયો નથી : હવે 50 ટકા વધારો આપવા માંગ

મહેનતાણાના દર 6 વર્ષ પહેલા નક્કી કર્યા બાદ દરમાં કોઈ વધારો નહીં

ગાંધીનગર: પ્રવાસી શિક્ષકોના મહેનતાણાના દર 6 વર્ષ પહેલા નક્કી કર્યા બાદ મોંઘવારી વધી હોવા છતાં તેમના દરમાં કોઈ જ વધારો કરાયો ન હોવાથી સંચાલક મંડળ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઇ છે. જેમાં પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં 50 ટકાનો વધારો કરવા જણાવ્યું છે. અગાઉ પ્રાથમિકમાં એક તાસના રૂ. 50 મળતા હતા તેના બદલે રૂ. 75 કરવા, માધ્યમિકમાં રૂ. 75ના બદલે રૂ. 100 કરવા તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં રૂ. 90ના બદલે રૂ. 150 કરવા માટે માંગણી કરી છે.

   ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજયના શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 2015માં પ્રવાસી શિક્ષક એટલે કે તાસ દીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરવાની પધ્ધતિ અમલમાં આવી છે. શાળામાં મુખ્ય વિષયના શિક્ષકોની ભરતી ન થઈ શકી હોય ત્યાં જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળામાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવા માટે મંજુરી આપવામાં આવે છે. આ મંજુરીના આધારે શાળામાં પ્રવાસી શિક્ષક શિક્ષણકાર્ય માટે દૈનિત વેતનથી લેવામાં આવે છે. જેમાં પ્રાથમિક શિક્ષણ માટે તાસ દીઠ માનદ વેતન રૂ. 50 નક્કી કરાયું છે અને મહત્તમ દૈનિક તાસ 6 હોઈ રૂ. 300 માનદ વેતન દિવસનું રહે છે. આ જ રીતે માધ્યમિકમાં તાસ દીઠ રૂ. 75 અને દિવસના 6 તાસ પ્રમાણે રૂ. 450 માનદ વેતન થાય છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ રૂ. 90 અને દિવસના 6 તાસ પ્રમાણે રૂ. 540 માનદ વેતન થાય છે

  પ્રાથમિક શિક્ષણમાં તાસ પધ્ધતિ ન હોય ત્યાં મહત્તમ માનદ વેતન રૂ. 300 રહેશે. પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતન રૂ. 7500થી વધે નહીં તે રીતે, માધ્યમિકમાં રૂ. 13400 અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ. 13700થી માસિક વેતન વધે નહીં તે રીતે રાખવાનું નક્કી કરાયું છે. આમ, આ રકમ નક્કી કરતી વખતે ફિક્સ પગારના શિક્ષકોના પગારની રકમને ગણતરીમાં લેવામાં આવી હશે તેવું સંચાલક મંડળનું માનવું છે. જોકે, હવે ફિક્સ પગારના શિક્ષકોના પગાર 3થી 4 ગણા વધી ગયા હોઈ સંચાલક મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોના તાસ દીઠ મહેનતાણામાં વધારાની માગણી કરી છે.

  સંચાલકોએ સરકાર સમક્ષ કરેલી માગણી પ્રમાણે, પ્રાથમિક વિભાગમાં તાસ દીઠ રૂ. 75 અને મહત્તમ દૈનિક રૂ. 450 કરવા, માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ રૂ. 100 અને મહત્તમ રૂ. 600 તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ રૂ. 150 અને મહત્તમ રૂ. 900 કરવા માગણી કરી છે. ફિક્સ પગારના કર્મચારીઓના પગારની સરખામણીમાં પ્રવાસી શિક્ષકોના નવા વેતનનો અમલ કરવામાં આવે તો પણ સરકાર પર ક્યાંય નાણાકીય બોજો પડતો ન હોવાનું પણ સંચાલકોએ જણાવ્યું હતું. જેથી 6 વર્ષ પહેલા નક્કી થયેલા પ્રવાસી શિક્ષકોના મહેનતાણાના દરમાં વધારો કરવામાં આવે તે માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

(10:13 pm IST)