Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

અંદાજપત્ર સામાન્ય ચર્ચા બીજો દિવસ:આવનારા દિવસોમાં વ્યાપક રોજગારના સર્જન થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાનો નિર્ધાર : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા

આ બજેટ ગુજરાતના વિકાસનો ઉદ્દીપક છે.: ગુજરાતની અવિરત વિકાસ યાત્રાએ માત્રને માત્ર રાજ્યની શાંતિ, સલામતી અને સુરક્ષાને આભારી : આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત દેશને ચોક્કસ રાહ ચીંધશે: આગમી પાંચ વર્ષમાં સરકારી ક્ષેત્રે બે લાખ અને ખાનગી ક્ષેત્રોમાં ૨૦ લાખથી વધુ રોજગારી ઉભી કરવાની અઘરી ચેલેન્જ અમે આપી છે તે પરિપૂર્ણ કરીને બતાવશું: આજનો સમય ‘ડાઇ ફોર નેશન નહી’ પણ ‘લીવ ફોર નેશનનો’:અમે ચરિતાર્થ કરીને બતાવીશું : આઝાદીની ચળવળી ગાથાના ઇતિહાસને ગુજરાતની વિકાસ ગાથા સાથે જોડીને દિવ્ય-ભવ્ય ગુજરાત બનાવવાની નેમ

અમદાવાદ :ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર આવનાર દિવસોમાં વ્યાપક રોજગારના સર્જન થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાના નિર્ધાર સાથે આગળ વધી રહી છે. આગામી પાંચ વર્ષમાં સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ૨૨ લાખથી વધુ રોજગારીનું સર્જન કરીને રાજ્યના યુવાનોને રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં જોડવાનો અમારો અવિરત પ્રયાસ રહેશે.

 આજે વિધાનસભા ખાતે અંદાજપત્રની સામાન્ય ચર્ચાના બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન પુરવાર થઇ રહ્યું છે. પૂજ્ય બાપૂ અને સરદાર વલ્લભભાઇ પટેલે દેશની સ્વતંત્રતામાં મહત્વનો ભાગ ભજવીને આઝાદી અપાવી હતી. એ જ રીતે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારત દેશની નામના વધારી છે. આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. અને આઝાદીના ‘‘અમૃત મહોત્સવમાં’’ દાંડીયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન ૧૨મી માર્ચે સાબરમતી આશ્રમ અમદાવાદથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. જે ૭૫ જગ્યાએ ફરીને દાંડી પહોંચશે.

 તેમણે ઉમેર્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આઝાદીની ગાથાને વિકાસ ગાથા સાથે જોડીને રાજ્યની વણથંભી વિકાસ યાત્રાને આગળ વધારી છે અને આ વર્ષે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે સતત ૯મી વાર બજેટ રજૂ કરીને અત્યાર સુધીનું સૌથી મોટું રૂા. ૨.૨૭ લાખ કરોડનું બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રજૂ કર્યું છે. તેમણે ઉમેર્યું કે આજે ‘ડાય ફોર નેશન’ નહીં પણ ‘લીવ ફોર નેશન’ના મંત્રને લઇને અમે આગળ વધી રહ્યા છીએ. આ વર્ષનું અંદાજપત્ર એ દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટેનું છે. ગુજરાતમાં જે રીતે સર્વાંગી વિકાસ થયો છે એ માત્રને માત્ર ગુજરાતની શાંતિ, સલામતીને આભારી છે.  એ અમારા ૨૫ વર્ષની સરકારે પૂરી પાડી છે. આજે ગામડાના લોકોએ આ શાંતિ જોઇ છે, એટલા માટે આજે સમગ્ર રાજ્યમાં અમને સત્તાના સુત્રો સોંપીને પ્રજાએ જે વિશ્વાસ મુક્યો છે. એ અમે એળે નહીં જવા દઇએ.

     મંત્રીએ ઉમેર્યું હતું કે, આપણું ગુજરાત દિવ્ય અને ભવ્ય ગુજરાત બને તેવા આશય સાથે અને ગુજરાતનો સર્વાંગી રીતે વિકાસ થાય તેવું આયોજન કરીને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. દેશના જી.ડી.પી.માં ગુજરાતનું યોગદાન ૮ ટકા છે જે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. એટલું જ નહીં દેશમાં થયેલા કુલ વિદેશી રોકાણના ૫૩ ટકા વિદેશી રોકાણ ગુજરાતમાં થયું છે.દેશમાંથી થતી કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો ૨૩ ટકા છે. નીતી આયોગ દ્વારા જાહેર કરાયેલા લોજીસ્ટીક ઇન્ડેક્ષમાં ગુજરાત પ્રથમક્રમે રહ્યું છે. એટલે જ કહેવાય છે કે ‘ગુજરાત ઇજ ગ્રોથ એન્જીન ઓફ ઇન્ડીયા’.

   ગુજરાતમાં આજે ૫૦ ટકાથી વધુ લોકો શહેરી વિસ્તારમાં વસે છે. અમદાવાદ, સુરત, વડોદરાજેવા લાખોની વસ્તી ધરાવતા શહેરોનો પણ સર્વાંગી વિકાસ કરીને રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાનો અમારો સંકલ્પ છે જેને કેન્દ્રમાં રાખી આ બજેટ તૈયાર કર્યું છે. તે માટે આ બજેટમાં શહેરી વિકાસ વિભાગને રૂા. ૧૩,૪૯૩ કરોડ ફાળવવામાં આવ્યા છે. લીવીંગ ઇન્ડેક્ષના સર્વેની યાદીમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ ત્રીજા ક્રમે, સુરત પાંચમાં ક્રમે અને રાજકોટનો પણ સમાવેશ થયો છે. ૧૦ લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં ગાંધીનગરે બેસ્ટ સીટી ઓફ ઇનોવેશનની શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમારી સરકારે કરેલા આ વિકાસની જોઇને જ મતદારોએ અમારા પર સંપૂર્ણ વિશ્વાસ મુક્યો છે અને આ વિશ્વાસ અમે ક્યારેય તોડીશું નહીં. 

    મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને શહેરમાં પોતાનું ઘર મળે અને આ ઘરની સાથે માન-સન્માન પણ મળે તેવા ઉમદા આશય સાથે ૫૫ હજાર આવાસો માટે રૂા. ૯૦૦ કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.

  મંત્રીએ વધુમાં ઉમેર્યું કે,રાજ્યમાં મોટી આગ દુર્ઘટના ન બને અને ક્યાય આગ દુર્ઘટના બની હોય તો તેને તાત્કાલીક ધોરણે કોઇ જાનહાની વિના નિયંત્રણમાં લાવી શકીએ તેવા આશયથી ફાયર વિભાગને અતિ આધુનિક બનાવવા તથા નવા ઇક્વીપમેન્ટ વસાવવા માટે રૂા. ૩૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો બીજી તરફ ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક તરીકે ઓળખાતા ગીફ્ટ સીટી માટે રૂા. ૧૦૦ કરોડની જોગવાઇ કરી ગુજરાતના યુવાનોને રોજગારીની વિપુલ તકો ઉભી કરાવવા પહેલ કરી છે. કહેવાય છે કે ‘ધોરી નસ જેટલી તંદુરસ્ત તેટલો મનુષ્ય તંદુરસ્ત’ એવી જ રીતે રાજ્ય માટે ધોરી નસ કહેવાતા રોડ, રસ્તાઓને વધુ સુદ્રઢ બનાવી રાજ્યને તંદુરસ્ત બનાવવા માર્ગ અને મકાન વિભાગને આ બજેટમાં રૂા. ૧૧,૧૮૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.

  મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કોરોના મહામારીના કાળમાં જ્યારે એકજ ઘરની બે વ્યક્તિ એક બીજાને મળતા પણ ખચકાતા હતા અને એક બીજાથી અંતર રાખતા હતા તેવા સંજોગોમાં રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીઅનેનાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે કોઇપણ પરિસ્થિતિમાં સહેજ પણ ડર કે ચિંતા વગર હોસ્પિટલોની મુલાકાત લઇ રાજ્યના નાગરિકોની આરોગ્યની સુખાકારી માટે અનેકવિધ નિર્ણયો લીધા છે. જે રીતે સ્વતંત્ર સેનાનીઓ અંગ્રેજો સાથે લડતા હતા તે રીતે આપણા મંત્રીઓએ કોરોના સામે લડાઇ લડી છે.

  રાજ્યના નાગરિકોને સગવડયુક્ત અને આરામ દાયક પરીવહન સેવા પુરી પાડવા માટે વોલ્વો સહિતની નવી બસો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. તે ઉપરાંત ૫૦ ઇલેકટ્રીક અને ૫૦ સી.એન.જી. બસો માટે આ બજેટમાં જોગવાઇ કરી ઇકોફ્રેન્ડલી બસ ખરીદવાની રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી છે. આ માટે વાહન વ્યવહાર વિભાગ માટે રૂા. ૨૭૦ કરોડની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે જે અભિનંદનને પાત્ર છે. તે ઉપરાંત રાજકોટ સહિતના વિવિધ એસ.ટી. બસ સ્ટેશનોને અધ્યતન અને સ્માર્ટ બનાવવા માટે પણ બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. તો બીજી તરફ દરીયાકાંઠા પરના બે બંદરો ભાવનગર અને નાર્ગોલના ડેવલોપમેન્ટ પી.પી.પી. મોડલથી કરી તેના વિકાસ માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યું છે.

    ગુજરાત એ સમગ્ર દેશ અને વિશ્વમાં વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે ત્યારે તેની પાછળ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દિર્ઘ દ્રષ્ટી અને વિકાસ કાર્યો જવાબદાર છે. ટેકનોલોજી અને ઇનોવેશનને જોડીને દેશમાં નવો નારો શરૂ થયો છે ‘આત્મનિર્ભર ભારત’. આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્ય કટીબધ્ધ છે. મંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બજેટમાં કરેલી જોગવાઇ ઉપર ધ્યાન દોરતા ઉમેર્યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલ કે જે અખંડ ભારતના શીલ્પી છે અને તેમની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડીયા ખાતે બની છે તે વિશ્વની આઠમી અજાયબી છે.એક ભારતનું કામ સરદાર પટેલે કર્યું જ્યારે શ્રેષ્ઠ ભારતનું કામ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે તેમ કહી મંત્રીશ્રીએ ઉમેર્યું કે દેશને અખંડ બનાવવા જે રીતે સરદાર પટેલે પ્રયત્નો કર્યા તે રીતે ગુજરાતના નકશાને એક બનાવવા માટે ૫૬૨ દેશી રજવાડાઓએ આપેલા તેમના યોગદાનને આ રાજ્ય ક્યારેય ભુલી શકશે નહીં અને તે માટે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ૫૬૨ રજવાડાઓની ગૌરવ ગાથા ગાતુ મ્યુઝીયમ તૈયાર કરવા રૂા. ૨૫ કરોડની વિશેષ જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે. આસ્થા અને શ્રધ્ધાને વરેલા આપણા ગુજરાતના નાગરિકોની શ્રધ્ધાને અગ્રીમતા આપી પાવાગઢ મંદિર, માતાનો મઢસહિતના ધાર્મિક સ્થાનોના વિકાસ માટે રૂા. ૮૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે વિશ્વ પ્રસિધ્ધ અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરીટી થકી અંબાજીનો વેલપ્લાન્ડ સીટી તરીકે વિકાસ કરાશે.

 મંત્રીએ જણાવ્યું કે, આ તમામ વિકાસલક્ષી બાબતો ત્યારે જ શક્ય બને જ્યારે રાજ્યમાં શાંતિ અને સલામતિ ભર્યું વાતાવરણ હોય અને કાયદોઅને વ્યવસ્થાની સ્થિતિ સારી હોય. જેની પાછળ રાજ્યનું ગૃહ વિભાગ અને તેમાં સમાવિષ્ટ રાજ્યની પોલીસનું સવિશેષ યોગદાન છે. આ બજેટને હું હ્દય પૂર્વક આવકારૂ છું.

(9:58 pm IST)