Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કોંગ્રેસની વિધાનસભા કૂચ વેળા હલ્લાબોલથી ફેલાયેલ તંગદિલી

પોલીસ દ્વારા કોંગ્રેસની કૂચ અટકાવવા વોટર કેનનથી પાણીમારો : હલ્લાબોલ અને દેખાવો દરમિયાન અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિત ૮૦૦થી વધુની અટકાયત : કોંગ્રેસ દ્વારા સત્રના પહેલા દિવસે દેખાવો યોજાયા

અમદાવાદ, તા.૯ : આજથી ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય શિયાળુ સત્રનો પ્રારંભ થયો હતો ત્યારે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોએ વિધાનસભાની અંદર અને બહાર ભાજપ સરકારને ઘેરવાના ભાગરૂપે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા કૂચ કરી હતી. જો કે, થોડી આગળ ચાલેલી કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીમારો કરીને કૂચને આગળ વધતી અટકાવવામાં આવી હતી. જે દરમ્યાન મામલો બહુ ગરમાયો હતો અને ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અમિત ચાવડા સહિતના નેતાઓના કપડા પણ આ ઘર્ષણ દરમ્યાન ફાટી ગયા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન એક તબક્કે પોલીસ વાહનો પર પથ્થરમારો થયો હતો. જેને લઇ આજે પહેલાં જ દિવસે વિધાનસભા સત્રને લઇ કોંગ્રેસ અને શાસક પક્ષ વચ્ચે ઘર્ષણ અને હોબાળાના જોરદાર દ્રશ્યો સર્જાયા હતા.

           પોલીસે એક તબક્કે ૮૦૦થી વધુ લોકોની અટકાયત કરી હતી અને તેઓને હેડકવાર્ટર ખાતે લઇ જવાયા હતા. કોંગ્રેસ દ્વારા વિધાનસભા તરફ કૂચનો પ્રારંભ કરાયો ત્યારે સરકાર તરફથી પહેલેથી જ પોલીસની કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા પાકવીમા, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા, મોંઘવારી સહિતના અનેકવિધ વિવિધ મુદ્દે સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. વિધાનસભા ગેટ -૨  પર યુવા કોંગ્રેસના કેટલાક કાર્યકરો પહોંચી ગયા હતા પરંતુ તેમની પણ પોલીસે અટકાયત કરી હતી. સત્યાગ્રહ છાવણી ખાતે વિધાનસભા કૂચ પહેલા કોંગી ધારાસભ્યો, નેતાઓ સહિતના કોંગ્રેસના નેતા એકઠા થયા હતા અને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સરકારને ઘેરવા માટે રાજ્યભરમાંથી કોંગી કાર્યકરો સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો સાથે ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. અહીં કોંગ્રેસના આગેવાનોએ વિવિધ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. વિરોધદર્શક બેનરો સાથે સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા તા. ૯મીના પ્રથમ દિવસે જ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સહાય, ડીપીએસ સ્કૂલ, છ હજાર પ્રાથમિક સ્કૂલ બંધ કરવી સહિતના મુદ્દે વિધાનસભા તરફ કૂચ કરી હતી.

             કોંગ્રેસ આ મુદ્દાઓ વિધાનસભા દરમિયાન પણ ઉઠાવીને ગૃહમાં ઉઠાવવા મક્કમ છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા કૂચની જાહેરાત બાદ સરકાર દ્વારા પહેલેથી જ ગાંધીનગર પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. જેમાં ગૃહવિભાગ અને રાજ્ય પોલીસ વડાએ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા અને ગાંધીનગર રેન્જ આઈજી સાથે મીટીંગ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. ગાંધીનગર જિલ્લાની પોલીસની સાથે મહેસાણા અને હિંમતનગર પોલીસ, એસઆરપીની  મદદ લેવાઇ હતી. પોલીસે આ કૂચની મંજૂરી નહી હોવાથી કોંગ્રેસના લોકોને અટકાવ્યા હતા પરંતુ તેમછતાં કૂચ જારી રખાતા આખરે પોલીસે વોટરકેનન અને બળપ્રયોગ કરી કૂચને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આજે કોંગ્રેસના હોબાળા અને હલ્લાબોલ આંદોલનને લઇ  વાતાવરણ ગરમાયું હતું.

રાયોટીંગ અને એસોલ્ટનો ગુનો દાખલ થઇ શકે......

કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા કૂચ દરમ્યાન મચાવેલા હોબાળા દરમ્યાન પોલીસ પર થયેલા પથ્થરમારા અને પોલીસ વાહનોની તોડફોડ મામલે તેમ જ એકસાથે હજારો લોકો એકઠા થઇ હલ્લાબોલ આંદોલન કરવા બદલ પોલીસ દ્વારા રાયોટીંગ, એસોલ્ટ અને પોલીસના જાહેરનામાના ભંગ બદલનો ગુનો દાખલ થઇ શકે છે, તેવી ચર્ચાએ પણ જોર પકડયુ હતુ.

(8:47 pm IST)