Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

આણંદ: લોનના હપ્તાની રકમ લેવા ગયેલ યુવક પર હુમલો

આણંદ: શહેરના પરીખભુવનમાં આવેલી પોસ્ટલ કોલોનીમાં લોનના હપ્તાની રકમ લેવા માટે ગયેલા માતાના મિત્ર અને તેના પરિવારજનોએ યુવાનને માર મારીને ગળાના ભાગે ચપ્પુ મારી દેતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર મંગળપુરા રોડ ઉપર આવેલા ઈરમા ગેટની સામે આવેલા અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી રીબનબેન પ્રફુલભાઈ મેકવાનના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થતાં તેણીએ પરીખભુવનની પોસ્ટલ કોલોનીમાં લીનસ આલ્ફેર્ડ મર્ચન્ટ સાથે પરિચય અને મિત્રતા થઈ હતી. જેથી સને ૨૦૧૮માં લીનશે રીબનબેનના ફ્લેટ ઉપર ૧૨ લાખની લોન લીધી હતી અને તેના હપ્તાઓ પણ ભરતો નહોતો. જેને લઈને બન્ને વચ્ચે ખટરાગ થયો હતો અને આ અંગે રીબનબેને આણંદની સિવિલ કોર્ટમાં દાવો કરતાં તેનો કેસ ચાલી રહ્યો છે. ગઈકાલે મુદ્દત હોય રીબનબેન, તેમનો પુત્ર અમુલ તેમજ સામે પક્ષે લીનસ પણ આવ્યો હતો. દરમ્યાન મુદ્દત પુરી થયા પછી માતા-પુત્ર ઘરે ગયા હતા. જ્યાંથી અમુલ ડીયો લઈને પોસ્ટલ કોલોનીએ પહોંચી ગયો હતો જ્યાં લીનસના ઘરે જઈને લોનના બાકી હપ્તાની માંગણી કરતાં ઝઘડો થયો હતો. જેથી લીનસ, તેનો ભાઈ મુકેશ , પિતા આલ્ફેર્ડ અને પત્ની મીનાક્ષીબેન દ્વારા ગમે તેવી ગાળો બોલીને પહેલા તો ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ લીનસે ચપ્પુ કાઢીને અમુલને ગળાના ભાગે મારી દેતાં તે લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. ગળામાંથી લોહી નીકળતું હોવા છતાં પણ તે પોતાનું ડીયો લઈને ગણેશ ચોકડીએ આવ્યો હતો અને ત્યાંથી મિત્રોને બોલાવીને આણંદ નગરપાલિકા હોસ્પિટલ ખાતે આવ્યો હતો. જ્યાં ડોક્ટરે હાલત ગંભીર હોવાનું જણાવતાં જ પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ તેને તુરંત જ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શહેર પોલીસે આ અંગે ચારેય વિરૂદ્ઘ મહાવ્યથાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:24 pm IST)