Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દુષ્કર્મ કેસોમાં આરોપીઓને સજા કરવા સરકાર પ્રતિબદ્ધ

દુષ્કર્મની ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિવેદન : ગુજરાતમાં દુષ્કર્મના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે : પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય અપાવવા સરકારના પ્રયાસો

અમદાવાદ, તા.૮ : ગુજરાતમાં વારંવાર ઘટી રહેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાઓના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફરી એકવાર પીડિત પરિવારોને હૈયાધારણ આપતાં જણાવ્યુ હતુ કે, દુષ્કર્મ કેસોના કોઈ દોષિતોને બક્ષવામાં નહીં આવે. આવા ઘૃણાસ્પદ કેસોના આરોપીઓને આકરામાં આકરી સજા અપાવવા માટે સરકાર કટિબદ્ધ છે. એટલું જ નહી, વહેલામાં વહેલા કેસ ચલાવી ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય મળે તે માટે સરકારનો પ્રયાસ રહેશે. તાજેતરમાં જ રાજયમાં સુરત વડોદરા, રાજકોટમાં ઘટેલી દુષ્કર્મની ઘટનાઓ બાદ રાજયમાં વધી રહેલા જનઆક્રોશને ધ્યાનમાં લઇ મુખ્યમંત્રી રૂપાણીએ આજે ફરી એકવાર દુષ્કર્મ કેસના ગુનેગારોને વહેલમાં વહેલી સજા કરવાની હૈયાધારણ આપી હતી. વડોદરા સામૂહિક દુષ્કર્મ મામલે આજે ક્રાઈમબ્રાન્ચે દસ દિવસની મહેનત બાદ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્યારે વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓ અંગે સહેજ પણ ઢીલાશ રાખવામાં નહીં આવે.

દુષ્કર્મની ત્રણેય ઘટનાઓમાં દોષિતોને છોડવામાં નહીં આવે. ગુનેગારોને આકરામાં આકરી સજા કરાવવા સરકાર કટિબધ્ધ છે. આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા થાય તેના પ્રયાસ કરવામાં આવશે. ત્રણેય ઘટનામાં કેસ ફાસ્ટ ટ્રેક કેસમાં ચલાવીશું. ત્રણેય ઘટનાઓમાં દોષિતોને કોઇપણ સંજોગોમાં બક્ષવામાં નહી આવે. પીડિત પરિવારોને ઝડપથી અને સંતોષજનક ન્યાય મળી રહે તે માટે સરકારનો પ્રયાસ રહેશે.

(9:37 pm IST)