Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના પત્ની ચૂંટણી લડશે તેવું નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો

થોડા દિવસ પૂર્વે પાર્ટી મને જ ટિકિટ આપશે એવો હુંકાર કરનાર ધારાસભ્યએ અચાનક પોતાનું નિવેદન ફેરવી તોળ્યું

વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર ભાજપમાંથી અહીંની પારુલ યુનિવર્સિટીના ડોક્ટર પારુલનું નામ ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે તેવી અટકળો વચ્ચે વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ બેઠક પરથી પોતાના પત્ની ચૂંટણી લડશે તેવું નિવેદન આપતા રાજકારણ ગરમાઈ ગયું છે. 

વડોદરા જિલ્લાના વાઘોડિયાની બેઠક પર છેલ્લા છ ટર્મથી જીતતા આવતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ વખતે ટિકિટ આપવા અંગે પક્ષમાં આંતરિક રાજકારણ ગરમાયુ છે. જેના અનુસંધાને થોડા દિવસ પૂર્વે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જિલ્લાના એક ફાર્મ હાઉસમાં ગુપ્ત બેઠક યોજી હતી અને તેમાં ધારાસભ્યને બોલાવ્યા ન હતા. આ વચ્ચે ગઈકાલથી અહીંની બેઠક પર પારુલ યુનિવર્સિટીના સ્થાપક ડો.જયેશ પટેલના પુત્રી ડોક્ટર પારુલને ટિકિટ આપવામાં આવે તેવી અટકલો તેજ બની છે. 

  સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મધુ શ્રીવાસ્તવે આજે નિવેદન આપ્યું છે કે, વાઘોડિયાની બેઠક પરથી પત્નીને ચૂંટણી લડાવી શકું છું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે પાર્ટી મને જ ટિકિટ આપશે એવો હુંકાર કરનાર ધારાસભ્ય મધુએ અચાનક પોતાનું નિવેદન ફેરવી દીધું છે

(12:08 am IST)