Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તાર બેઠકોની ચૂંટણી માટે જિલ્લામાં કુલ-૪,૫૭,૪૦૩ નોંધાયેલા મતદારો

૧૮ થી ૧૯ વર્ષની વયના કુલ-૧૫,૭૯૬ જેટલા યુવા મતદારો સૌ પ્રથમ વખત મતદાનમાં ભાગ લેશે :નાંદોદમાં ૬,૮૮૯ અને દેડીયાપાડામાં ૮,૯૦૭ નોંધાયેલા યુવા મતદારો :ગત-૨૦૧૭ ની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓની સરખામણીએ હાલ ૨૦૨૨ની ચૂંટણીઓમાં ૪૪,૦૭૮ જેટલા મતદારોની સંખ્યામાં વૃધ્ધિ: ગત-૨૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીના ૬૧૮ મતદાન મથકોની સંખ્યામાં વૃધ્ધિ સાથે વધુ ૬ મતદાન મથકો ઉમેરાયાં : ગત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણીમાં જિલ્લાની સરેરાશ કુલ ૭૯.૧૫ ટકા મતદાનની ટકાવારી સાથે દેડીયાપાડા બેઠક ૮૩.૬૩ ટકા સાથે મતદાનની ટકાવારીમાં ધ્વિતિય સ્થાન હાંસલ કર્યું હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગત તા.૩ જી નવેમ્બર,૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ (અ.જ.જા) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે આગામતી તા.૧ લી ડિસેમ્બર-૨૦૨૨ ના રોજ જિલ્લામાં કુલ-૬૨૪ મતદાન મથકોએ કુલ-૪,૫૭,૪૦૩ મતદારો ઉક્ત બેઠકો માટે મતદાનમાં ભાગ લેશે, જેમાં ૨,૩૦,૪૫૨ પુરૂષ અને ૨,૨૭,૨૪૮ સ્ત્રી મતદારો, ૩ ટ્રાન્સજેન્ડર મતદારો, ૧૯૦ સેવા મતદારો અને ૪,૦૮૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.

  અત્રે એ ઉલ્લેખનીય છે કે, જિલ્લાના નોંધાયેલા ઉક્ત મતદારોમાં ૧૮ થી ૧૯ વર્ષની વયના કુલ-૧૫,૭૯૬ જેટલા નવા યુવા મતદારો સૌ પ્રથમ વખત મતદાનમાં ભાગ લેશે, જેમાં નાંદોદ વિધાનસભા વિસ્તારમાં ૬,૮૮૯ યુવા મતદારો અને દેડીયાપાડા મત વિસ્તારમાં ૮,૯૦૭ યુવા મતદારોનો સમાવેશ થાય છે.
  જિલ્લાની ઉક્ત બન્ને બેઠકોની વિધાનસભા વિસ્તાર મુજબ મતદારોની આંકડાકીય વિગતો જોઇએ તો ૧૪૮-નાંદોદ વિધાનસભા મત વિસ્તાર માટે ૩૦૭ મતદાન મથક ખાતે ૧,૧૯, ૪૮૦ પુરૂષ મતદાર અને ૧,૧૫,૫૭૪ સ્ત્રી મતદારો અને ૨ ટ્રાન્સજેન્ડર મતદારો સહિત કુલ-૨,૩૫,૦૫૬ મતદારો મતદનમાં ભાગ લેશે. જેમાં ૮૩ સેવા મતદારો, ૨,૩૩૭ દિવ્યાંગ મતદારોનો પણ સમાવેશ થાય છે. તેવી જ રીતે ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા) વિધાનસભા મત વિસ્તાર માટે ૩૧૭ જેટલા મતદાન મથકોએ યોજાનારા મતદાનમાં ૧,૧૦,૯૭૨ પુરૂષ મતદારો અને ૧,૧૧,૬૭૪ સ્ત્રી મતદારો અને એક ટ્રાન્સજેન્ડર મતદાર સહિત કુલ-૨,૨૨, ૬૭૪ મતદારો મતદાનમાં ભાગ લેશે. જેમાં ૧૦૭ સેવા મતદારો અને ૧૭૪૭ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
  અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત-૨૦૧૭ માં યોજાયેલી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ સમયે નર્મદા જિલ્લામાં કુલ-૪,૧૩,૬૨૫ જેટલા મતદારો નોંધાયા હતાં. જેમાં નાંદોદ વિધાનસભા મત ક્ષેત્રના ૨,૨૦,૧૪૬ મતદારો અને દેડીયાપાડા વિધાનસભા મત ક્ષેત્રમાં ૧,૯૭,૪૭૯ મતદારોનો સમાવેશ થતો હતો. જેમાં ઉક્ત બન્ને બેઠકો માટે ૫૩ અને ૭૧ મળી કુલ-૧૨૪ સેવા મતદારોનો સમાવેશ થતો હતો.
 આમ, ગત-૨૦૧૭ ની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ સમયે જિલ્લામાં નોંધાયેલ કુલ-૪,૧૩,૬૨૫ મતદારોની સરખામણીએ હાલમાં યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લામાં કુલ-૪,૫૭,૭૦૩ મતદારો નોંધાયેલ છે. આમ ગત ૨૦૧૭ ની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓની સરખામણીએ હાલ ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી માટે ૪૪,૦૭૮ વધુ મતદારો નોંધાયા છે. તેવી જ રીતે ગત એપ્રિલ-૨૦૧૯ માં યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓ માટે સેવા મતદારો સહિત કુલ-૪,૨૭,૬૭૯ મતદારો નોંધાયેલ હતા. આમ, ગત લોકસભાની ચૂંટણીની સરખામણીએ વિધાનસભા-૨૦૨૨ ની ચૂંટણી માટે જિલ્લામાં વધુ ૩૦,૦૨૪ મતદારો મતદાનમાં ભાગ  લેશે. તેવી જ રીતે ગત ૨૦૧૭ની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓમાં ૬૧૮ મતદાન મથકોની સામે હાલની વિધાનસભાની ચૂંટણીઓમાં કુલ-૬૨૪ મતદાન મથકોમાં મતદાન યોજાશે.આમ ચૂંટણીમાં જિલ્લામાં વધુ ૬ મતદાન મથકોની સેવાઓ મતદારોને તેમના રહેઠાણની નજીકમાં ઉપલબ્ધ બનશે.
   અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૧૭ ની વિધાનસભા સામાન્ય ચૂંટણીઓમાં નર્મદા જિલ્લો ૭૯.૧૫ ટકા મતદાન સાથે ટકાવારીની ટોચ પર પ્રથમ સ્થાને રહ્યો હતો. જેમાં જિલ્લાની દેડીયાપાડા બેઠક ૮૩.૬૩ ટકા સાથે રાજ્યમાં મતદાનની ટકાવારીમાં ધ્વિતિય સ્થાન હાંસલ કર્યું હતું. તેવી જ રીતે વિધાનસભા-૨૦૧૨ માં પણ નર્મદા જિલ્લો સરેરાશ ૮૨.૨૧ ટકા સાથે મતદાનની ટકાવારીમાં રાજ્યમાં મોખરે રહેવા પામ્યો હતો. જેમાં દેડીયાપાડા વિધાનસભા વિસ્તાર ૮૮.૮૧ ટકા સાથે સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારીમાં મોખરે રહ્યો હતો. તેવી જ રીતે લોકસભા-૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં સરેરાશ ૮૦.૨૮ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં દેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રએ ૮૫.૦૧ ની વિક્રમજનક મતદાનની ટકાવારી હાંસલ કરી હતી.જ્યારે નાંદોદ વિધાનસભા ક્ષેત્રમાં ૭૬.૦૨ની મતદાનની ટકાવારી નોંધાઇ હતી. તેવી જ રીતે એપ્રિલ-૨૦૧૪ ની લોકસભા સામાન્ય ચૂંટણીઓમાં દેડીયાપાડા વિધાનસભા મતક્ષેત્રમાં ૮૫.૮૮ ટકા મતદાન સાથે રાજ્યમાં ટકાવારીની ટોચની સાથોસાથ ૮૦.૭૬ ટકાના મતદાન સાથે નર્મદા જિલ્લો મતદાનમાં મોખરે રહેવા પામ્યો હતો

(10:15 pm IST)