Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કચ્છની 6 બેઠકો પર ભાજપના ઉમેદવાર નક્કી કરવા મુશ્કેલરૂપ:17 મુરતિયા ચૂંટણી લડવા માટે ભારે આતુર

કચ્છ સીટ માટે ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ : કોને મળશે ટિકિટ ? જબરી ઉત્સુકતા

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી ભાજપ દ્વારા ઉમેદવારોની એક પણ યાદી જાહેર કરવામાં આવી નથી. આગામી ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે. તેવામાં કચ્છ સીટ માટે ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. જેમાં 6 બેઠકો પર ભાજપના 17 મુરતિયા ચૂંટણી લડવા માટે તલપાપડ હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ ગુજરાતમાં કચ્છની 6 બેઠકો પર ભાજપના 17 મુરતિયા ચૂંટણી લડવા તલપાપડ બન્યા છે. જેને કારણે ભાજપ માટે આ 6 બેઠકો માટે દાવેદાર નક્કી કરવા ભારે કઠીન કામ બન્યું છે. સોશિયલ મીડિયા દ્વારા સામે આવેલી યાદી મુજબ કચ્છની 6 બેઠકો માટે સામે આવેલા નામ નિચે મુજબ છે

બેઠક – સંભવિત ઉમેદવારના નામ

અબડાસા – કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા

માંડવી - મહેન્દ્ર ગઢવી, છાયાબેન ગઢવી, અનિરૂદ્ધ દવે

ભુજ - કેશુભાઈ પટેલ, ધવલ આચાર્ય અને કૌશલિયાબેન માધપરિયા

અંજાર - બાબુ હુમલ, ત્રિકમ આહીર અને વલમજી હુબલ

ગાંધીધામ - માલતી મહેશ્વરી, નરેન્દ્ર મહેશ્વરી અને રમેશ મહેશ્વરી

રાપર - પંકજ મહેતા, વણવીર રાજપુર અને બાબભાઈ ભરવાડ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 135 ઉમેદવારો તો કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. ત્યારે આજે અને આવતીકાલે ગુરૂવારે ભાજપના ઉમેદવારો માટે દિલ્હીમાં ચર્ચા-વિચારણા થવાની છે. જેમાં આ સંભવિત ઉમેદવારના નામની ચર્ચા કરવામાં આવશે. જે બાદ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરશે.

(6:55 pm IST)