Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સુરતના ડિંડોલીમાં ટેક્સ્ટાઇલ વેપારીના ઘરેથી 5.73 લાખના મતાની ચોરી કરી ગઠિયા છૂમંતર.....

સુરત, : સુરતના ડિંડોલી કરાડવા રોડ સ્થિત સાંઈવિલા રેસિડેન્સીમાં રહેતા ટેક્ષટાઈલ વેપારીના ઘરમાંથી સોનાચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.5.73 લાખની મત્તાની ચોરી થઈ હતી.બિહારના વૈશાલીના વતની અને સુરતમાં ડિંડોલી કરાડવા રોડ સિલિકોન પામની સામે સાંઈવિલા રેસિડેન્સી પ્લોટ નં.21 માં રહેતા 26 વર્ષીય ચંદનકુમાર સગુની સિંઘ પાંડેસરા ખાતે ટેક્ષટાઈલનો વેપાર કરે છે.ગત 25 ઓક્ટોબરના રોજ તેમનો પરિવાર દિવાળી નિમિત્તે વતન ગયો હતો.ત્યાર બાદ ગત 1 લી ના રોજ તેમણે ઘરમાં ફર્નિચરનું રીનોવેશન કામ ચાલુ કરાવ્યું હતું.કામ માટે આવતા પાંચ કારીગરોમાંથી બે કારીગરો ત્રીજીથી કામ અડધું છોડી ચાલ્યા ગયા હતા.દરમિયાન, પાંચમીની સવારે ચંદનકુમારે પોતાની સોનાની ચેઈન પહેરવા લોખંડનો કબાટ ખોલ્યો તો કબાટનું લોક બગડેલું હતું અને તેને ખાલી બંધ કર્યો હતો.શંકા જતા કબાટ ચેક કરતા તેમાંથી સોનાની ચેઇન અને મોબાઈલ ફોન ગાયબ હતો. આથી બાજુના રૂમમાં મુકેલો બીજો લોખંડનો કબાટ ખોલ્યો તો તેનું પણ લોક બગડેલું હતું અને તેને પણ ખાલી બંધ કર્યો હતો.તેમાં તપાસ કરતા સોનાની બંગડીઓ, ચાંદીના ઝાંઝર, સોનાના પોચા, ચાંદીના બ્રેસલેટ, સોનાનું મંગળસૂત્ર મળી બંને કબાટમાંથી કુલ રૂ.5,72,605 ની મત્તાની ચોરી થઈ હતી.આ અંગે ચંદનકુમારે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અધવચ્ચેથી કામ છોડીને ગયેલા બે કારીગરની શંકાના આધારે અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

(6:15 pm IST)