Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉસરા ગામે રાત્રીના અંધારામાં પાર્ક કરેલ કાર સાથે બાઈક અથડાતા યુવકનું મૃત્યુ

દાહોદ : દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉસરા ગામે રાત્રિના અંધારામાં પાર્ક કરેલી કાર સાથે પૂરઝડપે જઈ રહેલી બાઈક અથડાતાં બાઈક સવાર બે યુવાનો પૈકી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના દેવઝરી ગામે પંડા ફળિયામાં રહેતાં ૨૦ વર્ષના ગોલુભાઈ મનુભાઈ બારીયા તથા તેમની સાથે ગામમાં રહેતાં અન્ય એક વ્યક્તિ તા.૬ના રોજ બાઈક ઉપર લીમખેડા તાલુકાના ઉસરા ગામેથી રાત્રિના આઠેક વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે રસ્તા પર એક કારના ચાલકે ઈન્ડીકેટર ચાલુ રાખ્યા વિના કાર પાર્ક કરી હતી. આ દરમિયાન બાઈક પર જઈ રહેલા બંને યુવાનોને કાર ના દેખાતા બાઈક કારની પાછળ ધડાકાભેર અથડાતાં બંને બાઈક સવારો રોડ પર ફંગોળાયા હતાં. જેમાં ગોલુને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના દેવઝરી ગામે પંડા ફળિયામાં રહેતાં સંતુબેન મનુભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:15 pm IST)